CR Patil underpass inauguration: ચોર્યાસી વિધાનસભા વિસ્તારથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નં. 53 પર રૂ. 40 કરોડના ખર્ચે બનેલા બુડિયા અને ગભેણી વિસ્તારના નવા વ્હીકલ અંડરપાસનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે થયું હતું.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય સંદિપ દેસાઇએ મુખ્ય મંચ પરથી સ્વાગત પ્રવચન આપ્યું અને જણાવ્યું કે આ બ્રિજ માટે સ્થાનિકોની લાંબા સમયથી માંગ હતી, જે આજે પૂરી થઈ છે.
અંડરપાસ નિર્માણ અંગે પ્રવચન કરતાં સી.આર. પાટીલએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના દરેક ખૂણામાં વિકાસના નવા આયામો જોવા મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત યાત્રાથી વિવિધ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ઝડપથી આગળ વધે છે.
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને હિમાલય જેવા વિકટ વિસ્તારમાં બનેલા બ્રિજોથી લઈને પાટીણાની ટેક્નોલોજી સાથે તૈયાર થતા નવનિર્મિત બ્રિજ સુધીનો સફર વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ છે.
અહીં હાજર રહેલા લોકોને વરસાદના પાણી સંભાળવાની સંસ્કૃતિ વિકસાવવાના સંદેશ સાથે પાટીલએ જણાવ્યું કે વર્ષા જળ પૃથ્વીમાં ઉતારવા માટે બોર બનાવવા જોઈએ જેથી ભૂગર્ભ જળસંચય વધે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત તેમના કાર્યાલયમાં યોજેલી બેઠકમાં યમુના નદીની સફાઈ માટે કામ ફરી શરૂ કરવાની સૂચના આપી હતી. આજના સમયમાં યમુના સૌથી પ્રદૂષિત નદી ગણાય છે, પરંતુ તેને ફરીથી સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે રાજ્યના મંત્રી મુકેશ પટેલ, સુરતના મેયર દક્ષેશ માવાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવીનીબેન, ધારાસભ્યો સંદિપ દેસાઇ અને સંગીતાબેન પાટીલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજન પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.