GNFC Golden Jubilee celebration Bharuch: ભરૂચમાં GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Arati Parmar
4 Min Read

GNFC Golden Jubilee celebration Bharuch: વિકાસના નવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું વર્ષ ૨૦૪૭ નું વિઝન

‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે ભરૂચ જિલ્લાના ૫૦ ગામોને દત્તક લઈ સર્વાંગી વિકાસનું મોડેલ ઉભું કરવાનો સંકલ્પ

- Advertisement -

ભરૂચ:

ભરૂચ જિલ્લાના નર્મદા નગર ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)ના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ અવસરે મુખ્યમંત્રીએ GNFC દ્વારા વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત-૨૦૪૭ ના સંકલ્પને સાકાર કરવા તૈયાર કરાયેલા રોડમેપને વધુ ગતિ આપવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જાહેર ક્ષેત્રના સાહસો (PSU) વધુ કાર્યક્ષમ, પારદર્શક અને પ્રોફેશનલ બની દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કંપનીના પાંચ દાયકાની ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન અંતર્ગત મુખ્યમંત્રીએ નર્મદા નગર ટાઉનશીપમાં ‘નમો વડવન’, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન તેમજ GNFCની ૫૦ વર્ષની સફળતાની ગાથા રજૂ કરતી કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ નીમ પ્રોજેક્ટની વિશેષ પ્રશંસા કરતાં જણાવ્યું કે, લીમડાના તેલનો યુરિયાના નીમ કોટિંગમાં ઉપયોગ અને તેમાંથી ઓર્ગેનિક ઉત્પાદનોના ઉત્પાદન જેવી પહેલોએ નવી દિશા આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી ૪.૫૦ લાખથી વધુ ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનું ભગીરથ કાર્ય કંપનીએ કર્યું છે.

- Advertisement -

IMG 20260616 WA0014

કંપનીના વર્તમાન રૂ.૭,૦૦૦/- કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને આગામી વર્ષોમાં દસ ગણા વધારીને વર્ષ ૨૦૪૭ સુધીમાં રૂ.૭૦,૦૦૦/- કરોડના પ્રોજેક્ટ્સ સુધી પહોંચાડવાનો સંકલ્પ સાકાર કરવા પ્રેરણા સાથે સંકલ્પ આપ્યો હતો. સાથે જ ભરૂચ જિલ્લાના ૫૦ ગામોના સર્વાંગી વિકાસ માટે ‘૫૦ વિકસિત ગામો – વિઝન ૨૦૪૭’ જેવી મહત્વાકાંક્ષી પહેલને પણ બિરદાવી હતી. GNFC ના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે કંપનીની યાદો તાજી કરતાં જણાવ્યું કે, કંપનીએ આગવું વિઝન, કર્મયોગના બળે આજે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે કંપનીના ૨.૭૩ લાખથી વધુ શેરહોલ્ડર્સ, અત્યાર સુધીના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ અને શ્રમિકોના યોગદાનને અભિનંદન પાઠવ્યા હતા. કંપની દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ.૨૦૦ કરોડનો સી.એસ.આર. ખર્ચ કરવામાં આવ્યો છે. ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે ભરૂચ જિલ્લાના ૫૦ ગામોને દત્તક લઈ સર્વાંગી વિકાસનું મોડેલ ઉભું કરવાનો સંકલ્પ પણ કંપનીએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો – રમેશભાઈ મિસ્ત્રી, દેવકિશોરદાસ સ્વામી, અરૂણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, કંપની ડિરેક્ટર અજય ખરે સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો, શેરહોલ્ડર્સ, અધિકારીઓ, કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

IMG 20260616 WA0017

બોક્સ:

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુના ભરૂચમાં સેવાકાર્યને બિરદાવ્યું, રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચ્યા

IMG 20260616 WA0021

ભરૂચ:

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જુના ભરૂચની મુલાકાત દરમિયાન માનવસેવાના અનોખા કાર્યો માટે જાણીતા સેવા યજ્ઞ સમિતિના સંચાલક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચી તેમની કામગીરીને બિરદાવી હતી. રાકેશ ભટ્ટ દ્વારા વર્ષોથી ગરીબ, નિરાધાર અને તરછોડાયેલા દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે. ખાસ કરીને એવા દર્દીઓ કે જેમનું કોઈ નથી, તેમના માટે હમદર્દ બની કરવામાં આવતી સેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થઈ મુખ્યમંત્રી પોતે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની ગાડી જુના ભરૂચ વિસ્તારમાં પહોંચતા જ નજીક આવેલી સાધના શાળાના બાળકો “દાદા… દાદા…” કહીને ઉમંગભેર તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. બાળકોનો ઉત્સાહ જોઈ મુખ્યમંત્રી પણ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી સીધા શાળાના પ્રાંગણમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાળકો સાથે આત્મીય મુલાકાત કરી હતી અને તેમની સાથે હળવી વાતચીત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રાકેશ ભટ્ટના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે મીઠી પળો વિતાવી હતી. આ મુલાકાત દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

IMG 20260616 WA0013

મુખ્યમંત્રીની આ આત્મીય મુલાકાતથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમાજના વંચિત અને નિરાધાર વર્ગ માટે કાર્યરત સેવાભાવી વ્યક્તિઓને રાજ્યના સર્વોચ્ચ પદ પરથી મળેલી આ કદર સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત લોકો માટે પ્રેરણારૂપ બની છે.

Share This Article