Gujarat Teachers Protest: ગાંધીનગરમાં શિક્ષકોનો જંગ, ટેટ પરીક્ષા મુદ્દે ગુજરાત સરકારને આંદોલનની ચીમકી, જૂની પેન્શન યોજનાની પણ માંગ

Arati Parmar
3 Min Read

Gujarat Teachers Protest: રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાર્યરત શિક્ષકોને પણ ટેટ (TET) પરીક્ષા આપવી ફરજિયાત કરવામાં આવતા શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા શિક્ષકોનું માનવું છે કે વર્ષોનો અનુભવ હોવા છતાં ફરીથી પરીક્ષા આપવી એ તેમના આત્મસન્માન પર પ્રહાર સમાન છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

વિવિધ માંગણીઓ સાથે સરકારને અલ્ટીમેટમ

શિક્ષક સંગઠનો દ્વારા માત્ર ટેટ પરીક્ષાનો વિરોધ જ નહીં, પરંતુ અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે પણ માંગ કરવામાં આવી છે. આ માંગણીઓમાં મુખ્યત્વે ૧ એપ્રિલ ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો (OPS) લાભ આપવો, ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોને યોગ્ય ગ્રેડ-પે આપવો અને આચાર્યોને વધારાના શાળાના ચાર્જમાંથી મુક્તિ આપવાનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સરકાર આ મામલે હકારાત્મક નિર્ણય નહીં લે, તો આ લડાઈને દિલ્હી સુધી લઈ જવામાં આવશે.

‘અમે પરીક્ષાથી નહીં, પણ અન્યાયથી ડરીએ છીએ’

આંદોલનકારી શિક્ષકોનું કહેવું છે કે તેઓ પરીક્ષા લેનારા છે, તેથી તેઓ પરીક્ષાથી ગભરાતા નથી. પરંતુ, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયના બહાને તેમની વર્ષોની સેવા અને સન્માનને અવગણીને ફરીથી પરીક્ષા આપવાની ફરજ પાડવામાં આવે, ત્યારે તે સ્વીકાર્ય નથી. સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સોમવારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. જો સરકાર ટેટના મુદ્દે સુધારા વિધેયક નહીં લાવે, તો આગામી સંસદ સત્રમાં દેશભરના સંસદ સભ્યોને આવેદન આપી આ માંગને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં આવશે.

- Advertisement -

સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો

આંદોલન દરમિયાન નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરવામાં માનતા નથી, પરંતુ તમામ શિક્ષકોના હિત માટે લડવા કટિબદ્ધ છે. ૨૦૦૫ પહેલાના શિક્ષકોના જીપીએફ (GPF) ખાતામાં જમા ન થયેલી રકમ અંગે પણ આગામી દોઢ મહિનામાં નિરાકરણ લાવવા સરકારી સ્તરે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા શિક્ષકોએ પોતાની એકતા દર્શાવી સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી માગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

Share This Article