Gujarat BJP Election Issues: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે આ વખતે રસ્તો આસાન દેખાતો નથી. પક્ષ અત્યારે બેવડા સંકટનો સામનો કરી રહ્યો છે. એક તરફ ટિકિટ ફાળવણીમાં સગાવાદ અને જૂથવાદના આક્ષેપોને કારણે પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય મતદારો પ્રાથમિક સુવિધાઓના અભાવે નારાજ છે. અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો જ્યારે પ્રચાર માટે નીકળે છે ત્યારે લોકો તેમનો હુરિયો બોલાવી રહ્યા છે, જેના કારણે પ્રદેશ નેતાગીરીની ચિંતામાં વધારો થયો છે.
વિકાસના કામો મુદ્દે મતદારોનો આકરો મિજાજ
ઘણી સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં “ભાજપના ઉમેદવારોએ મત માંગવા આવવું નહીં” તેવા બેનરો લાગી ગયા છે. મતદારોનો આક્ષેપ છે કે વર્ષોથી ભાજપને વોટ આપવા છતાં રોડ, રસ્તા, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો પૂરી થઈ નથી. અમદાવાદના અસારવા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં લોકોએ ઉમેદવારોને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને રોકડું પરખાવ્યું હતું કે કામ કર્યા વગર મત માંગવા આવતા શરમ નથી આવતી? આ પરિસ્થિતિ માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી, બોડેલીના પાણેજ ગામમાં પ્રભારી મંત્રી મનીષા વકીલને પણ ગ્રામજનોએ ઘેરીને વણઉકેલાયેલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.
ટિકિટની ફાળવણીમાં ‘વહીવટ’ અને કાર્યકરોની અવગણના
પક્ષની અંદર સંગઠન સ્તરે પણ ભારે ચરુ ઉકળી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ધારાસભ્યએ ટિકિટનો ‘વહીવટ’ કરીને પોતાના માનીતાઓને ગોઠવી દીધા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સંનિષ્ઠ કાર્યકરોનો આક્ષેપ છે કે પાર્ટી માટે વર્ષોથી પરસેવો પાડનારાઓને બદલે પૈસાપાત્ર અને નેતાઓના માનીતાઓને ટિકિટ આપવામાં આવી છે. સુરતમાં પણ વોર્ડ નંબર ૨૮માં ભાજપના પ્રચાર દરમિયાન સ્થાનિકો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ આંતરિક ખેંચતાણને કારણે ચૂંટણીમાં પક્ષને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વિરોધ વચ્ચે પણ ભાજપને જીતનો વિશ્વાસ
આટલા મોટા પાયે થઈ રહેલા વિરોધ અને અસંતોષ છતાં ભાજપની પ્રદેશ નેતાગીરી અત્યંત આત્મવિશ્વાસમાં દેખાઈ રહી છે. કમલમમાં બેઠેલા નેતાઓનું માનવું છે કે ચૂંટણી સમયે નારાજગી હોવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ભાજપ પાસે એવી રણનીતિ અને સંગઠન શક્તિ છે કે તે છેલ્લા સમયે બાજી પલટી શકે છે. પ્રદેશ નેતાગીરીને શ્રદ્ધા છે કે ભૂતકાળની જેમ આ વખતે પણ તમામ વિરોધ વંટોળ વચ્ચે ગુજરાતમાં કેસરીયો જ લહેરાશે. જોકે, આ વખતે મતદારોનો મિજાજ અને કાર્યકરોની નિષ્ક્રિયતા પરિણામોમાં કેવો પલટો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

