Gujarat Education Development: ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષના સુશાસનમાં શિક્ષણ ક્ષેત્રે મોટો વિસ્તાર, 25 લાખ વિદ્યાર્થિનીઓને 2,110 કરોડની સહાય

Arati Parmar
4 Min Read

13,353 નવા ક્લાસરૂમથી 41 નવી સરકારી કૉલેજ સુધી, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પાંચ વર્ષમાં મોટા ફેરફાર

Gujarat Education Development: 13 સપ્ટેમ્બર 2026ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા, ટેક્નોલોજી અને નવીનતા સાથે વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવા માટે અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલી પહેલોને આગળ વધારતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ, બંને ક્ષેત્રોમાં સુવિધાઓ અને તકોનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ 25 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને 2,110 કરોડથી વધુની સહાય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2024માં શરૂ કરવામાં આવેલી ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજના શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને 2,110 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. યોજનાના અમલીકરણ બાદ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના હેઠળ વર્ષ 2024-25થી અત્યાર સુધીમાં 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને 290 કરોડ રૂપિયાની સહાય, જ્યારે ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કૉલરશિપ’ યોજના હેઠળ વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં 176 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.

‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ અંતર્ગત 13,353 નવા ક્લાસરૂમ બનાવવામાં આવ્યા

ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નો અસરકારક અમલ કરવામાં આવ્યો છે. ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ અત્યાર સુધીમાં 13,353 નવા ક્લાસરૂમ, 21,000 નવી કમ્પ્યુટર લૅબ, 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ અને 5,000 નવી STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) લૅબનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

વર્ષ 2024ની ભરતીમાં સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 9,400 શિક્ષણ સહાયકો તેમજ 470 આચાર્યોની ભરતી કરવામાં આવી છે. સાથે જ, 2,230 જૂના શિક્ષકોની ભરતી/બદલી કરવામાં આવી છે. વર્ષ 2026-27માં 200 નવી કમ્પોઝિટ, 95 નવી સરકારી માધ્યમિક તથા 3 નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

વર્ષ 2026માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પૉલિસી’ સમાપ્ત કરવામાં આવી છે તેમજ RTE (શિક્ષણનો અધિકાર) હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

- Advertisement -

ડ્રૉપઆઉટમાં ઘટાડાથી સમાવેશી શિક્ષણ સુધી

વર્ષ 2001-02માં ધોરણ 1થી 8 સુધીનો ડ્રૉપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે વર્ષ 2024-25માં ઘટીને 2.35 ટકા થઈ ગયો છે. સંભવિત ડ્રૉપઆઉટની સમયસર ઓળખ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગુ કરવામાં આવી છે. તેના માધ્યમથી અત્યાર સુધીમાં આશરે 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને શિક્ષણ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સમાવેશી શિક્ષણ માટે રાજ્યમાં 37 નવા રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં થેરાપી ઉપકરણો, ડિજિટલ પેનલ, રૅમ્પ, રેલિંગ અને CWSN ટૉઇલેટ (વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ટૉઇલેટ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ માટે 1,141 શિક્ષકોના નવા પદો પણ ઊભા કરવામાં આવ્યા છે.

ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને સ્ટાર્ટઅપને ગતિ

વિદ્યાર્થીઓને તેમના વતન વિસ્તારની નજીક ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી છેલ્લા પાંચ વર્ષમાં બિનઆદિવાસી વિસ્તારોમાં 24 અને આદિવાસી વિસ્તારોમાં 17 સહિત કુલ 41 નવી સરકારી કૉલેજો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સરકારી કૉલેજોમાં નવી ફૅકલ્ટી શરૂ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 3,97,415 વિદ્યાર્થીઓને 2,068.67 કરોડ રૂપિયા, જ્યારે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ 24,802 વિદ્યાર્થિનીઓને 797.01 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

PhD વિદ્યાર્થીઓ માટે SHODH યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 113.52 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. જ્યારે SSIP 2.0 (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી 2.0) હેઠળ 6,077 પ્રૂફ ઑફ કૉન્સેપ્ટને 2.50 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે અને વિદ્યાર્થીઓના નવીન વિચારો દ્વારા 962 સ્ટાર્ટઅપ સ્થાપિત થયા છે.

Share This Article