Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદની સંભાવના, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ

Arati Parmar
5 Min Read

અમદાવાદ | 26 જુલાઈ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ નોંધાયો છે. ઉપરાંત ખેરગામ, નળિયાપોંડા અને આસપાસના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી બે-ત્રણ દિવસમાં વરસાદની રાહ જોઈ રહેલા જિલ્લાઓમાં પણ સારો વરસાદ થઈ શકે છે.

રાજસ્થાન તરફ આગળ વધી રહી છે હાલની સિસ્ટમ

ગુજરાતમાં વરસાદ લાવનાર લો પ્રેશર સિસ્ટમ હવે ઉત્તર ગુજરાતને પાર કરીને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. જોકે તેની અસર હજુ પણ ઉત્તર ગુજરાતમાં યથાવત છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા સવારે જાહેર કરાયેલા નવકાસ્ટ મુજબ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

- Advertisement -

તે ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી તૈયારીઓની સમીક્ષા

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેટિંગ સેન્ટર ખાતે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી.

સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.

27 અને 28 જુલાઈ માટે પણ વરસાદી માહોલ યથાવત

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 27 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

સાથે જ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.

28 જુલાઈએ મુખ્યત્વે છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડીમાં બન્યું નવું લો પ્રેશર

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક નવું લો પ્રેશર સર્જાયું છે. આગામી ચારથી પાંચ દિવસમાં આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે.

જો આ સિસ્ટમ અનુમાન મુજબ આગળ વધશે તો ઓગસ્ટની શરૂઆતમાં તેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

વરસાદની રાહ જોતા જિલ્લાઓને રાહત મળવાની આશા

હાલમાં દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો છે.

નવી સિસ્ટમ સક્રિય બન્યા બાદ આ વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ વધવાની આશા છે.

31 જુલાઈથી ફરી વધશે વરસાદનું જોર

હવામાન વિભાગના ન્યુમેરિકલ મોડલ મુજબ 31 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે.

તેની અસર સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ત્યારબાદ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે.

2 અને 3 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વધુ વિસ્તારો પણ વરસાદના વ્યાપમાં આવી શકે છે.

આગામી દિવસોમાં શું રહેશે સ્થિતિ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલની સિસ્ટમની અસર આગામી બે-ત્રણ દિવસ સુધી યથાવત રહેશે. ત્યારબાદ વરસાદનું જોર થોડું ઘટશે, પરંતુ બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ સક્રિય થતાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.

Share This Article