Gujarat SC ST Cases: ગુજરાતમાં 2022-24 દરમિયાન SC-ST સમુદાયો પર અત્યાચારના 4,890 કેસ નોંધાયા, દોષસિદ્ધિનો દર રાષ્ટ્રીય દર કરતાં ઘણો ઓછો

Arati Parmar
2 Min Read

Gujarat SC ST Cases: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો વિરુદ્ધ અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા.

રાજ્યમાં 2022માં 1,609, 2023માં 1,680 અને 2024માં 1,601 કેસ નોંધાયા. ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાં SC સમુદાય સાથે જોડાયેલા કેસોનો હિસ્સો આશરે 81 ટકા રહ્યો.

- Advertisement -

આંકડાઓ પરથી એ પણ જાણવા મળ્યું કે જે કેસોમાં તપાસ બાકી હતી, તેમની સંખ્યામાં ઘટાડો થયો છે. આવા કેસોની કુલ સંખ્યા 2022માં 489 હતી, જે 2024માં ઘટીને 449 રહી ગઈ. એટલે કે તેમાં 8.2 ટકાનો ઘટાડો નોંધાયો.

ST સમુદાય સાથે જોડાયેલા કેસોમાં બાકી તપાસની સંખ્યામાં આના કરતાં વધુ ઘટાડો થયો. આવા કેસો 2022માં 125 હતા, જે 2024માં ઘટીને 90 થઈ ગયા. જ્યારે SC સમુદાય સાથે જોડાયેલા કેસોમાં આ સંખ્યા નજીવી રીતે ઘટી – 2022માં 364થી ઘટીને 2024માં 359 થઈ.

- Advertisement -

દોષસિદ્ધિનો દર અત્યંત ઓછો

જોકે, દોષસિદ્ધિ (Conviction)નો દર હજુ પણ ઘણો ઓછો રહ્યો છે. SC સમુદાય સાથે જોડાયેલા કેસોમાં દોષસિદ્ધિનો દર 2022માં 4.4 ટકા હતો, જે 2023માં વધીને 7.4 ટકા થયો, પરંતુ 2024માં ફરી ઘટીને 5.4 ટકા રહ્યો.

- Advertisement -

ST સમુદાય સાથે જોડાયેલા કેસોમાં દોષસિદ્ધિનો દર 2022માં 8 ટકાથી વધીને 2023માં 11.7 ટકા થયો, પરંતુ 2024માં આ પણ ઘટીને 4.5 ટકા રહ્યો.

ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 2024માં ગુજરાતમાં SC અને ST કેસોમાં દોષસિદ્ધિનો દર અનુક્રમે 33.9 ટકા અને 33.2 ટકાના રાષ્ટ્રીય દરની સરખામણીમાં ઘણો ઓછો હતો.

આ રીતે ગુજરાતમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો જોવા મળતો નથી, પરંતુ અદાલતોમાં દોષસિદ્ધિ સુધી પહોંચતા કેસોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણું નીચે છે.

આ સાથે, આ સમયગાળા દરમિયાન રાહત મેળવનારા પીડિતોની સંખ્યામાં વધારો થયો. આ સંખ્યા 2022-23માં 1,623થી વધીને 2023-24માં 2,195 અને 2024-25માં 2,659 થઈ ગઈ.

અહેવાલ અનુસાર, ગુજરાતને મળતી કેન્દ્રીય સહાય 2022-23માં 4.2 કરોડ રૂપિયાથી વધીને 2023-24માં 29.8 કરોડ રૂપિયા અને ત્યારબાદ 2024-25માં 30 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ. આ ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાતને આશરે 64 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય મળી અને 6,477 પીડિતોને રાહત આપવામાં આવી.

Share This Article