Jignesh Mevani Police Dispute: મેવાણી vs કચ્છ પોલીસ: ભ્રષ્ટ અધિકારીઓ પર નિવેદન બાદ ભુજમાં MLA જીગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી, LCB ની ભૂમિકા પર સવાલ!

Arati Parmar
2 Min Read

Jignesh Mevani Police Dispute: ગુજરાતના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લઈને કરાયેલા નિવેદન બાદ રાજકીય માહોલ તંગ બન્યો છે. આ વિવાદ વચ્ચે સોમવારે કચ્છના ભુજ શહેરમાં મેવાણી વિરુદ્ધ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીડિયા સંસ્થાઓને આ રેલી કવર કરવા માટે વોટ્સએપ ગ્રુપ મારફતે અપીલ કરવામાં આવી હતી, જેના કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મેવાણીએ અગાઉ ચેતવણી આપી હતી કે ભ્રષ્ટ અધિકારીઓને ખુશ કરવામાં કોઈ પોલીસકર્મીએ પોતાની નોકરી જોખમમાં ન મુકવી જોઈએ.

સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આયોજન, પોલીસની ભાગીદારી પર સવાલ

વાવ-થરાદમાં મેવાણીના કટાક્ષ બાદ તેમની સામેનો વિરોધ કચ્છ સુધી પહોંચ્યો છે. બે સામાજિક કાર્યકરે વિડીયો દ્વારા ભુજમાં રેલીનું એલાન કર્યું હતું. ત્યારબાદ પશ્ચિમ કચ્છ LCBના PSI હિતેશ જેઠીએ આ વિડીયો મીડિયાગ્રુપમાં મૂકી તમામ પત્રકારોને કવરેજ માટે આમંત્રણ આપ્યું હતું. સામાન્ય રીતે પોલીસ વિભાગ આવા રાજકીય વિરોધને પ્રોત્સાહન આપતું નથી, છતાં આ વખતે સીધી અપીલ કરાઈ, જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

- Advertisement -

મેવાણીનો પ્રતિકાર: ભ્રષ્ટ પોલીસ સામે જાહેર ખુલાસાની ચીમકી

મેવાણીએ સ્પષ્ટ જણાવ્યું કે ઇન્સ્પેક્ટરથી લઈને કૉન્સ્ટેબલ સુધીના દરેક પોલીસકર્મીએ પોતાના કારકિર્દીનું રક્ષણ કરવું જોઈએ. તેઓએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે કચ્છના ખેડૂતો સાથે મારપીટ થઈ હતી ત્યારે આ જ ભ્રષ્ટ કર્મચારીયંત્ર નિષ્ક્રિય કેમ રહ્યું? મેવાણીનો દાવો છે કે તેઓ ભુજની આવતી મુલાકાતે પોલીસની હાજરી વચ્ચે જ આ તમામ ભ્રષ્ટાચારના કિસ્સાઓ જાહેર કરશે. તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને બળ મળ્યું છે.

કેટલાક વહીવટદારોએ વિડીયો સ્ટેટસમાં મૂકતા વિવાદ વધુ ગરમાયો

કચ્છ પોલીસના કેટલાક વહીવટદારોએ મેવાણી વિરુદ્ધની ન્યૂઝ ક્લિપ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂકી રહ્યા છે, જેનાથી વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સામાન્ય રીતે સત્તારૂઢ પક્ષના નેતા પોલીસની ટીકા કરે ત્યારે આટલી અસર જોવા મળતી નથી. પરંતું, મેવાણી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને તેઓ ખુલ્લેઆમ ભ્રષ્ટ પોલીસને નિશાન બનાવે છે, જેના કારણે તેમના નિવેદનના ચુનંદા ભાગોને જ બતાવીને આખી ગુજરાત પોલીસ સામે હોવાનું નેરેટિવ ઉભું કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
Share This Article