Manekchowk Jewellery Robbery: અમદાવાદના પ્રતિષ્ઠિત માણેકચોક વિસ્તારમાં 16 જુલાઈ, 2024ના રોજ બનેલી સનસનાટીભરી લૂંટ અને ફાયરિંગની ઘટનાનો આખરે બે વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગાંધી રોડ પર આવેલા ‘સોની હિંમતમલ શંકરલાલજી જ્વેલર્સ’માં ગ્રાહક બનીને આવેલા એક શખ્સે વેપારીને બંદૂકની અણીએ ડરાવીને આશરે 1.51 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ફરાર થતી વખતે આરોપીએ દુકાનદારના પિતાના પગમાં નિર્દયતાથી ગોળી મારી હતી, જેણે આખા શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. આ કેસ અમદાવાદ પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો.
પોલીસની સઘન તપાસ અને આરોપીની ઓળખ
ઘટનાની ગંભીરતાને જોતા ઝોન-3 ડીસીપી રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ખાડિયા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે હજારો સીસીટીવી ફૂટેજ, રૂટ મેપિંગ અને મોબાઈલ ટેક્નિકલ એનાલિસિસ દ્વારા ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક મહત્વની કડી મળી કે ગુનામાં વપરાયેલી પિસ્તોલ જામનગરની એક ઘરફોડ ચોરી દરમિયાન ગાયબ થયેલી સર્વિસ રિવોલ્વર હતી. આ કડીના આધારે તપાસ કરતા આરોપીનું પગેરું દિલ્હી સુધી પહોંચ્યું હતું. અંતે પોલીસે ભારતીય વાયુસેનામાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતા 31 વર્ષીય દીપક રમેશ બુકેરની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
દેશની સુરક્ષા કરનાર જ આરોપી નીકળતા આઘાત
આરોપી દીપક રમેશ બુકેર એરફોર્સમાં ફરજ બજાવતો હોવા છતાં લૂંટ જેવી ગંભીર ઘટનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. દિલ્હીમાં એરફોર્સના અધિકારીઓના સંકલન સાથે જ્યારે પોલીસે આરોપીની બેરેકની તપાસ કરી, ત્યારે ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા. આરોપીએ ગુનો આચરવા માટે અગાઉથી માસ્ટર પ્લાન બનાવ્યો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસ કર્યા હતા. હાલ પોલીસ દ્વારા આરોપીના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને લૂંટાયેલા મુદ્દામાલની રિકવરી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળતા બાદ અમદાવાદ પોલીસની ટેક્નિકલ અને વૈજ્ઞાનિક તપાસની પદ્ધતિના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

