Money Laundering Gujarat: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ૨૮ વર્ષના રેપિડો બાઇક ચલાવનારા યુવકની ધરપકડ કરી છે. આ યુવક ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ રૂપિયા મહિને કમાતો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ રેપિડો ડ્રાઈવર ૫૫૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસનો અહેમ ખેલાડી નીકળ્યો. આરોપ છે કે તેના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની રકમને ઇધર-ઉધર કરવા અને શેરના ભાવમાં હેરાફેરી કરવા માટે કરવામાં આવ્યો હતો.
ગુજરાતના સૌથી જટિલ મની ટ્રેલ કેસોમાં એક
ED એ મંગળવારે ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) માં ફોજદારી ફરિયાદ નોંધાવી અને કથિત મની લોન્ડરિંગ નેટવર્ક સંબંધિત એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી. એક સામાન્ય નાણાકીય તપાસ તરીકે શરૂ થયેલો આ કેસ ગુજરાતમાં સૌથી જટિલ મની ટ્રેલ તપાસોમાંનો એક બની ગયો છે, જેમાં નકલી કંપનીઓ, ભાડાની ઓળખ અને ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની રકમથી જોડાયેલા શેરના ભાવમાં શંકાસ્પદ હેરાફેરીની જાળ ખુલ્લી પડી છે.
ED એ ગુજરાત પોલીસને શું કહ્યું
ED અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હૃદેશ કુમાર વતી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં 1xBet ગેરકાયદે સટ્ટાબાજી રેકેટથી સંબંધિત સર્ચ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રાપ્ત તારણોની વિગતવાર વિગતો આપવામાં આવી છે. ૨૭ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ લખેલા પત્રમાં, ED એ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને પોતાના તારણો વિશે જાણ કરી. ED એ પોલીસ પાસે ભારતીય ન્યાય સંહિતા (BNS), IT એક્ટ અને અન્ય સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ નોંધવાની માંગ કરી.
તપાસના કેન્દ્રમાં રેપિડો રાઈડર પ્રદીપ ઓડ છે. પ્રદીપના બેંક ખાતા અને માલિકીની ફર્મ- મેસર્સ પ્રદીપ એન્ટરપ્રાઈઝમાં તેના પાન (PAN) અને આધાર કાર્ડની જાણકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ ખાતાઓ બીજા લોકોએ ખોલ્યા. PMLA ની કલમ ૧૭ હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં પ્રદીપે દાવો કર્યો કે તેને ખાતા દીઠ ૨૫,૦૦૦ રૂપિયા અને ચેક લીફ પર સહી કરવા માટે ૪૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે ખાતાઓ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર તેનો કોઈ અંકુશ નહોતો.
નકલી દસ્તાવેજોથી બનાવી ત્રણ કંપનીઓ
ED નો આરોપ છે કે ત્રણ ફર્મ – પ્રદીપ એન્ટરપ્રાઈઝ, કમલેશ ટ્રેડિંગ (કમલેશ કુમાર કલાલના નામે) અને રોનક ટ્રેડર્સ (રોનક રમેશ ઓડના નામે) – ૨૦૨૪ માં બનાવટી KYC દસ્તાવેજો, શંકાસ્પદ સરનામાં અને હેરાફેરી કરેલા ઉદ્યમ રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરીને સ્થાપિત કરવામાં આવી હતી. તપાસકર્તાઓએ એક વર્ષની અંદર આ ખાતાઓમાં કુલ ક્રેડિટ અને ડેબિટ એન્ટ્રીઓનો આંકડો લગભગ ૫૫૦ કરોડ રૂપિયા જણાવ્યો છે.
ફર્યાદ મુજબ, આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર સટ્ટાબાજી, પેની સ્ટોકના ભાવને કૃત્રિમ રીતે વધારવા માટે સર્ક્યુલર ટ્રેડિંગ અને ખાનગી ખર્ચાઓ પૂરા કરવા માટે મેળવેલા ગુનાના નાણાંને છુપાવવા અને મની લોન્ડરિંગ કરવા માટે કરવામાં આવ્યો હતો. આમાં ગાંધીધામના એક ઉદ્યોગપતિ આદિત્ય જુલાના લગ્ન સંબંધિત પેમેન્ટ પણ સામેલ હતા. તપાસ દરમિયાન ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ ઈમ્પેક્ટ ગુરુને મોકલવામાં આવેલ દાન પણ તપાસના દાયરામાં આવ્યા છે.
આ આરોપીઓએ કર્યો ખેલ
આરોપ છે કે મુખ્ય સૂત્રધાર કિરણ પરમાર ઉર્ફે લાલા આ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતો હતો. ફરિયાદમાં મહાદેવ, જુગલ, રવિ અને જીવરાજના નામ પણ સામેલ છે, જેમણે સિમ કાર્ડની વ્યવસ્થા કરવા, ચેક બુક સંભાળવા અને બેંક ખાતાની પ્રવૃત્તિઓ પર નજર રાખવા જેવી ભૂમિકાઓ ભજવી હતી. ED ની ફરિયાદ પર કાર્યવાહી કરતા, DCB પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ, છેતરપિંડી અને ખોટું નામ ધારણ કરવા, ફોજદારી કાવતરું અને ઓળખની ચોરી માટે FIR નોંધી.
સ્ટોક વ્યવહારોથી શંકા પેદા થઈ
એક મોટો હિસ્સો મુરાએ ઓર્ગેનાઈઝર લિમિટેડ (અગાઉ ઈયુરમ ફાર્માસ્યુટિકલ્સ), પ્રધાન લિમિટેડ (અગાઉ ભગવાનદાસ મેટલ્સ લિમિટેડ) અને કેકેઆરએફટીએન ડેવલપર્સ લિમિટેડ (હવે ભારત ગ્લોબલ ડેવલપર્સ તરીકે ઓળખાય છે) જેવી લિસ્ટેડ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓએ ભાવમાં અસામાન્ય વધઘટ, SEBI દ્વારા દેખરેખના પગલાં અને શંકાસ્પદ લોનથી જોડાયેલા ટર્નઓવરમાં અચાનક થયેલા વધારા પર ધ્યાન આપ્યું.
એક કિસ્સામાં, SEBI એ એક વર્ષની અંદર શેરના ભાવમાં ૧૦,૦૦૦% ના વધારા પછી ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું હતું. અધિકારીઓનું માનવું છે કે શંકાસ્પદ સંસ્થાઓ પાસેથી મળેલી નકલી એન્ટ્રીઓનો ઉપયોગ શેરમાં ભારે ઘટાડા પહેલા ટર્નઓવર અને સ્ટોક મૂલ્યોને કૃત્રિમ રીતે વધારવા માટે કરવામાં આવ્યો હશે. નવી મુંબઈ, અમદાવાદ, ગાંધીનગર અને બેંગલુરુમાં નોંધાયેલી ઘણી FIR ના પરિણામે બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
એક ગેરકાયદે ટ્રાન્ઝેક્શન નેટવર્ક ઉભું કર્યું
તપાસમાં આર્થિક રીતે સંકટમાં રહેલા વ્યક્તિઓને ખાતા વ્યવહાર માટે ભરતી કરવાની વધતી જતી વૃત્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. થોડા હજાર રૂપિયાના બદલામાં તેઓ ઓળખ કાર્ડ, સિમ કાર્ડ અને ચેક બુક સોંપી દે છે. નકલી કંપનીઓ તેમના નામે રજીસ્ટર થાય છે, જેમાં ઘણીવાર જથ્થાબંધ વેપાર અથવા ઉત્પાદન પ્રવૃત્તિઓની જાહેરાત કરવામાં આવે છે. વૈધાનિક દસ્તાવેજોમાં નકલી સરનામાં અને કર્મચારીઓની જાણકારી આપવામાં આવે છે. એકવાર ચાલુ થઈ ગયા પછી, આ ખાતાઓ મોટી માત્રામાં વ્યવહારો માટે માધ્યમ બની જાય છે, જે ઘણીવાર સેંકડો કરોડ સુધી પહોંચી જાય છે. ફરિયાદો સામે આવ્યા પછી તેને ફ્રીઝ કરવામાં આવે છે. તપાસકર્તાઓનું કહેવું છે કે નેટવર્કે નાણાંના વ્યવહારોની ખબર ન પડવા દેવા માટે અનેક સ્તરો પર ટ્રાન્સફર, ઝડપી ડેબિટ-ક્રેડિટ ચક્ર અને ચક્રાકાર વેપારનો ઉપયોગ કર્યો. ઘણા કિસ્સાઓમાં, નામાંકિત માલિકો વ્યવહારોના સ્વરૂપ અથવા સ્કેલથી અજાણ હતા.

