વિથોણ (તા. નખત્રાણા), તા. 11 : નખત્રાણા પંથકમાં ચોમાસું મગફળી અને કપાસનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું હોવાથી વરસાદે મૌલાતની રોનક વધારી દીધી છે. કુદરત મહેરબાન રહેશે તો દાડમની ખોટ પુરાશે તેવી આશા વ્યક્ત થઈ હતી. નખત્રાણા પંથકની વાડીઓમાં અત્યારે વિપુલ પ્રમાણમાં મગફળી અને કપાસ વાવેતર પછી પાંગરેલી પેદાશ જોવા મળે છે. અત્યારે દાડમના પાક પછી પાંગરેલી પેદાશ જોવા મળે છે. આ વર્ષે મગફળી પછી કપાસના વાવેતરને ખેડૂતોએ પ્રાધાન્ય આપ્યું છે. આ વર્ષે મગફળીના વાવેતર પછી સતત પાલર પાણી મળતું રહ્યું છે. જેના કાણે મગફળીના પાકમાં અત્યારે ચમક જોવા મળે છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ મૌસમ મહેરબાન રહેશે તો અન્ય પેદાશોમાં ખોટની ભરપાઈ થઈ શકે તેમ છે. મગફળી અને કપાસની ફસલ ઉપર સતત જીવાતનો ખતરો મંડરાતો રહે છે. મગફળીમાં ચુસિયા ઈયળ અને કપાસના પાકમાં મિલીબગ (સફેદફુગ)નો ખતરો રહે છે. દર વર્ષની જેમ ખરે ટાંકણે યુરિયા અને ડીએપી ખાતરની ખેંચ વરતાય છે. અત્યારે બન્ને પેદાશને ખાતરની જરૂર છે. ત્યારે મોટા ભાગની મંડળીઓમાં ખાતર નથી તેવું ખેડૂત જયંતિભાઈએ જણાવ્યું હતું. સતત વાદળછાયા વાતાવરણ અને ઝરમર ઝાપટાને કારણે વાડીઓમાં નિંદામણ શક્ય નથી અને નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી શકાય તેમ નથી અને મૌલાતથી જીવાતને દૂર રાખવા દવા પણ છાંટી શકાતી નથી. લાંબો ઉઘાડ મળે તો જ આ બધું થઈ શકે તેમ છે એમ કિસાનોએ જણાવ્યું હતું. પાછલા 15થી 20 દિવસથી ખેડૂતોની મોટરો બંધ છે. મોલાતને જરૂરી વરસાદ પડતો રહ્યો છે.
ઘણી જગ્યાએ જમીન ભીની હોવાથી અને ઝાપટા ચાલુ હોવાથી મોલાતમાં વિખેડ થઈ શકી નથી. અને વાડીઓમાં નિંદામણ દૂર કરી શકાયું નથી જો ઉઘાડ નીકળે તો જ બધું શક્ય બને તેમ છે. નખત્રાણા પંથક, રોહા પંથક અને વિથોણ પંથકમાં વાડી પેદાશોની સાથે વગડામાં પણ રોનક આવી છે. વરસાદે વગડાને હરિયાળી ચાદર ઓઢાડી હોય તેવા દૃશ્યો જોવા મળે છે. ડેમ-તળાવોમાં વ્યાપક પાણી એકત્ર થયું છે. જે ખેડૂત અને ખેતી માટે ખૂબ જ લાભદાઈ નિવડશે. વરસાદ પછી પાતાળના પાણીનું સ્તર ઉચું આવ્યું છે. જે ખેડૂતોના હિતમાં છે તેવું ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ ભગતે જણાવ્યું હતું.

