Oral Cancer Insurance Claim: ગુજરાતમાં મોઢાના કેન્સરથી પીડિત દર્દીએ સારવાર પાછળ ખર્ચાયેલા આશરે 13 લાખ રૂપિયાનો વીમા ક્લેમ કર્યો હતો, પરંતુ યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપનીએ માત્ર સવા બે લાખ રૂપિયા ચૂકવીને બાકીની રકમ આપવાનો ઇનકાર કર્યો હતો.
કંપનીએ દાવો કર્યો હતો કે તંબાકુના સેવનને કારણે કેન્સર થયું હતું. જોકે, ગ્રાહક ન્યાયાલયે પોલિસીના નિયમોમાં તંબાકુ શબ્દનો ઉલ્લેખ ન હોવાનું ધ્યાનમાં રાખીને વાદીના વારસદારોને સંપૂર્ણ ક્લેમની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
દર્દીને થયું હતું ઓરલ કેન્સર
માહિતી અનુસાર, પીડિત રામચંદ્ર પમનાનીને ઓરલ કેન્સર થયું હતું અને તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર પાછળ 13.21 લાખ રૂપિયા ખર્ચાયા હતા, ત્યારબાદ યુનાઇટેડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડમાં વીમા ક્લેમ કરવામાં આવ્યો હતો.
કંપનીએ માત્ર 2.33 લાખ રૂપિયા ચૂકવ્યા
કંપનીએ માત્ર 2.33 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીની રકમ એ કહીને આપવાનો ઇનકાર કર્યો કે દર્દીને તંબાકુના સેવનને કારણે કેન્સર થયું હતું.
પમનાનીના પરિવારે વર્ષ 2021માં દાહોદ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી. વીમા કંપનીએ પમનાનીની સારવારના પ્રમાણપત્રો અને બે હોસ્પિટલોના તબીબી અભિપ્રાયો રજૂ કર્યા હતા, પરંતુ સારવાર કરનારા ડોક્ટરોના સોગંદનામા રજૂ કર્યા નહોતા.
પોલિસીમાં તંબાકુનો ઉલ્લેખ ન હતો
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આયોગે નોંધ્યું કે પોલિસીની શરતોમાં ક્યાંય પણ તંબાકુનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેથી ફરિયાદકર્તા સંપૂર્ણ વીમા રકમ મેળવવા માટે હકદાર છે.
આયોગે વીમા કંપનીને આદેશ આપ્યો કે આદેશ થયાના બે મહિનાની અંદર ફરિયાદકર્તાના વારસદારોને સારવાર પાછળ ખર્ચાયેલી સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે.
સાથે જ માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ માટે વધારાના બે-બે હજાર રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો.

