Sabarmati River Cleaning Maintenance: અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીને વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના નવીનીકરણ માટે ખાલી કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા ૧૫ એપ્રિલથી ૧૫ જૂન સુધી નદીના પાણીના સ્તરને તળિયે લઈ જવાનો નિર્ણય લેવાયો છે. પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતોએ આપેલી સલાહ મુજબ, બેરેજની મજબૂતી માટે કુલ ૩૦ પૈકી ૧૮ નવા દરવાજા બેસાડવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષબ્રિજના જોખમી સુપર સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી પણ પૂર્ણ કરી દેશે, જે પાણી ભરેલી નદીમાં શક્ય નહોતી.
નદીના પટમાં ‘ખજાના’ની શોધ: સિક્કા શોધવા લોકોની ભીડ
સાબરમતી નદીમાંથી પાણી ઓસરતા જ તેના પટમાં કિંમતી વસ્તુઓ શોધવા માટે લોકોનું કીડીયારું ઉભરાયું છે. માત્ર અમદાવાદના સ્થાનિક શ્રમિકો જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના જેતપુર અને ગોંડલ જેવા શહેરોમાંથી પણ સેંકડો લોકો નદીના પટમાં આવી પહોંચ્યા છે. કાદવ અને માટીમાં ચાર-પાંચ કલાક ખોદકામ કરીને લોકો હાલના ચલણી સિક્કાઓની સાથે રાજાશાહી વખતના જૂના સિક્કા, સોના-ચાંદીની વસ્તુઓ અને અન્ય કિંમતી ચીજો શોધી રહ્યા છે. નદીના તળિયે છુપાયેલો આ ‘ખજાનો’ મેળવવા માટે યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
ગંદકી અને ખંડિત મૂર્તિઓનું સામ્રાજ્ય સામે આવ્યું
નદી ખાલી થતાં જ તેની સુંદરતા પાછળ છુપાયેલું ગંદકીનું વાસ્તવિક દ્રશ્ય પણ સામે આવ્યું છે. પાણી ઓસરતા જ નદીના તળિયે જમા થયેલો કાદવ-કીચડ અને કચરો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને લોકો દ્વારા નદીમાં પધરાવવામાં આવેલી ભગવાનની અનેક ખંડિત મૂર્તિઓ અને ધાર્મિક સામગ્રીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ નદીના પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે અને રિવરફ્રન્ટની ભવ્યતા પાછળની આ નબળી બાજુએ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે.
રિવરફ્રન્ટની દીવાલોની નબળી સ્થિતિ છતી થઈ
પાણી ઓછું થતાં સાબરમતી રિવરફ્રન્ટની મજબૂતી સામે પણ સવાલો ઉભા થયા છે. નદીના તળિયે પાણી પહોંચી જતાં રિવરફ્રન્ટની સુરક્ષા દીવાલોની વાસ્તવિક સ્થિતિ બહાર આવી છે. અનેક જગ્યાએ દીવાલના લોખંડના સળિયા ખુલ્લા થઈ ગયા છે અને તે બહાર દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યો રિવરફ્રન્ટના પ્રોજેક્ટમાં મેન્ટેનન્સની જરૂરિયાત તરફ આંગળી ચીંધે છે. આગામી બે મહિનામાં જ્યારે નદી ખાલી રહેશે, ત્યારે આ ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ કરવું તંત્ર માટે અનિવાર્ય બની ગયું છે.

