ગાંધીનગર : હાલ ભારત અને બાંગ્લાદેશના દરિયાકિનારે રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, તેના લીધે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. વાવાઝોડાની અસરના પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રેમલ વાવાઝોડાની અસરો વરસાદની પેટર્ન પર થઈ શકે છે. હવે દેશમાં ચોમાસું વહેલું બેસવાનું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળવાની છે.

હાલ મે મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં વિવિધ પ્રાંતોમાં આકરો તાપ વર્તાઇ રહ્યો છે. ગઈકાલે ગુજરાતનાં 5 શહેરોમાં ખૂબ ઊંચું તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદ 43.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. જ્યારે ગાંધીનગર 43 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે “આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી ઘટવાની શક્યતાઓ છે. આજથી રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રી તાપમાન ઘટશે જેથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની છે. આગામી દિવસોમાં રાજ્યમાં પવનનું જોર વધી શકે છે. આ દિવસોમાં પવનની ગતિ 25 થી 30 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.
