Daily Walking Limits: ચાલવું એ સૌથી સરળ અને અસરકારક કસરતોમાંની એક માનવામાં આવે છે. તે માત્ર હૃદયને સ્વસ્થ રાખવામાં જ મદદ નથી કરતું, પરંતુ વજન નિયંત્રણમાં રાખવા, મૂડ સુધારવા અને શરીરને સક્રિય રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે એક દિવસમાં કેટલી વૉક કરવી યોગ્ય છે અને શું જરૂર કરતા વધારે ચાલવું નુકસાન પણ પહોંચાડી શકે છે?. સ્વાસ્થ્ય વિશે માહિતી આપતી વેબસાઇટ goodrx ના નિષ્ણાતો અનુસાર દરેક વ્યક્તિ માટે ચાલવાનું આદર્શ અંતર અલગ-અલગ હોઈ શકે છે. તે તેમની ફિટનેસ, ઉંમર, સ્વાસ્થ્ય સ્થિતિ અને ચાલવાની ગતિ પર નિર્ભર કરે છે. જે વ્યક્તિ નિયમિતપણે વ્યાયામ કરે છે, તે નવા વ્યક્તિની સરખામણીમાં વધુ અંતર આરામથી કાપી શકે છે.
કેટલું ચાલવું યોગ્ય માનવામાં આવે છે?
નિષ્ણાતો અઠવાડિયામાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટની મધ્યમ તીવ્રતાવાળી શારીરિક પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે. આનો અર્થ એ છે કે તમે અઠવાડિયામાં છ દિવસ આશરે ૨૫ મિનિટ ઝડપી ગતિએ ચાલી શકો છો. સામાન્ય રીતે આ અંતર ૨ થી ૩ કિલોમીટરની આસપાસ હોઈ શકે છે, જોકે તે વ્યક્તિની ગતિ પર નિર્ભર કરે છે. ૧૦,૦૦૦ ડગલાં દરરોજ ચાલવાનું લક્ષ્ય ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે આ કોઈ જાદુઈ સંખ્યા નથી. એક સંશોધનમાં જાણવા મળ્યું કે દરરોજ લગભગ ૭,૦૦૦ ડગલાં ચાલનારા લોકોમાં અકાળે મૃત્યુનું જોખમ ઓછું જોવા મળ્યું હતું. જોકે ૭,૦૦૦ અને ૧૦,૦૦૦ થી વધુ ડગલાં ચાલનારાઓ વચ્ચે સ્વાસ્થ્ય લાભમાં ખૂબ મોટો તફાવત જોવા મળ્યો નથી. હવે ૪,૦૦૦ સ્ટેપને લઈને પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
ક્યારે વધી શકે છે જોખમ?
વધારે ચાલવું દરેક માટે ફાયદાકારક નથી હોતું. જો શરીરને પૂરતો આરામ ન મળે અને સતત જરૂર કરતા વધારે વૉક કરવામાં આવે, તો ઓવરટ્રેનિંગ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. આવી સ્થિતિમાં શરીર કેટલાક સંકેતો આપવા લાગે છે જેને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. જો વૉક પછી લાંબા સમય સુધી સ્નાયુઓમાં દુખાવો રહે, શરીર ભારે અનુભવાય, સતત થાક રહે અથવા પહેલાની સરખામણીમાં તમારી પરફોર્મન્સ ઓછી થઈ જાય, તો આ સંકેત હોઈ શકે છે કે તમે જરૂર કરતા વધારે ચાલી રહ્યા છો. આ ઉપરાંત વારંવાર મચકોડ આવવી, ઈજા થવી, ચાલવાની ઈચ્છા ઓછી થવી, ચીડિયાપણું વધવું, ભૂખ ઓછી લાગવી અને વારંવાર શરદી-તાવ આવવાને પણ ઓવરએક્ઝર્શન (વધારે પડતી મહેનત) ના સંકેતો માનવામાં આવે છે.
તમારા શરીરનું સાંભળો
નિષ્ણાતોનું માનવું છે કે કોઈ નક્કી સંખ્યા પાછળ દોડવા કરતા વધુ મહત્વનું એ છે કે તમે તમારી ક્ષમતા મુજબ સક્રિય રહો. જો તમે વૉકિંગની શરૂઆત કરી રહ્યા છો, તો ધીરે-ધીરે અંતર અને સમય વધારો. બીજી તરફ ફિટ લોકો પોતાની ક્ષમતા મુજબ ગતિ, અંતર કે વૉકની ફ્રીક્વન્સી વધારી શકે છે.

