Domestic Violence Against Women: ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ કેમ રહે છે ચૂપ? માનસિક સ્વાસ્થ્યથી લઈને આર્થિક નિયંત્રણ સુધીનાં ગંભીર કારણો

Arati Parmar
6 Min Read
Domestic Violence Against Women

Domestic Violence Against Women: ઘરેલુ હિંસા શબ્દ સાંભળતાં જ મોટાભાગના લોકો તેને શારીરિક હિંસા સાથે જોડે છે. પરંતુ ઘરેલુ હિંસાનો અર્થ માત્ર મારપીટ નથી. ટોણા મારવા, સતત અપમાનિત કરવું, ભાવનાત્મક રીતે પરેશાન કરવું અને આર્થિક નિયંત્રણ રાખવું પણ હિંસાનાં સ્વરૂપો ગણાય છે. ભણેલી-ગણેલી અને આર્થિક રીતે આત્મનિર્ભર મહિલાઓ પણ ઘણીવાર હિંસાનાં આ સ્વરૂપોને ઓળખી શકતી નથી. આખરે મહિલાઓ અત્યાચારભર્યા સંબંધોમાં શા માટે રહે છે અને તેની તેમના માનસિક સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

ઘરેલુ હિંસાના ચક્રમાં ફસાયેલી મહિલાઓને ઘણીવાર એવો સવાલ પૂછવામાં આવે છે કે તેમણે આ વિશે પહેલાં કેમ જણાવ્યું નહીં અથવા કોઈની સાથે વાત કેમ ન કરી. પરંતુ હકીકત એ છે કે ઘરેલુ હિંસાની મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. બીજી તરફ, સામાજિક માનસિકતા, આર્થિક નિર્ભરતા અને સમાજમાં બદનામીનો ડર જેવાં અનેક કારણો મહિલાઓને આવા હિંસક અને અત્યાચારભર્યા સંબંધોમાં રહેવા મજબૂર કરે છે.

- Advertisement -

રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિજયા રહાટકરે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આયોગને મળતી ફરિયાદોમાં ઘરેલુ હિંસા સૌથી મોખરે છે.

જ્યાં આર્થિક રીતે નબળી મહિલાઓમાં શારીરિક હિંસાનો ભોગ બનવાની સમસ્યા વધારે છે, ત્યાં ભણેલી-ગણેલી અને આર્થિક રીતે આત્મનિર્ભર મહિલાઓમાં ભાવનાત્મક ત્રાસ અને ઉપેક્ષાના કિસ્સા વધારે સામે આવે છે. એટલું જ નહીં, મહિલાઓને ઘણીવાર એ સમજવામાં ઘણો સમય લાગી જાય છે કે તેઓ દુર્વ્યવહારનો સામનો કરી રહી છે.

- Advertisement -

મનોવૈજ્ઞાનિક અને ‘મંધ્યાન કેર’નાં સ્થાપક તથા નિર્દેશક ડૉ. સાક્ષી મંધ્યાને જણાવ્યું કે ભાવનાત્મક ત્રાસ અને ઉપેક્ષા ઘરેલુ હિંસાનાં એવા સ્વરૂપો છે, જેનો ખાસ કરીને ભણેલી-ગણેલી અને આર્થિક રીતે આત્મનિર્ભર મહિલાઓને સામનો કરવો પડે છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘ઘણીવાર મહિલાઓને એ સમજવામાં જ ઘણો સમય લાગી જાય છે કે તેમની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. મહિલાઓ આવા વર્તનને આદત અથવા પોતાના જીવનસાથીની એવી કોઈ સમસ્યા માને છે, જેને વાતચીત દ્વારા ઉકેલી અથવા બદલી શકાય છે.’

- Advertisement -

તેમણે જણાવ્યું કે ઘણી સમજદાર અને આર્થિક રીતે આત્મનિર્ભર મહિલાઓ પણ પોતાને દોષી માનવા લાગે છે. તેના કારણે તેઓ દુર્વ્યવહાર સ્વીકારવામાં અને તેની વિરુદ્ધ પગલાં લેવામાં મોડું કરે છે. મહિલાની પોતાની ઓળખ અને આત્મસન્માનની ભાવના એ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કે તે અત્યાચારભર્યા સંબંધને ઓળખી શકે છે કે નહીં અને તેમાંથી બહાર નીકળવા માટે પગલાં ભરે છે કે નહીં.

મંધ્યાનના જણાવ્યા અનુસાર, સદીઓથી ચાલી આવતી પરંપરાઓ અને સામાજિક માનસિકતા મહિલાઓની ઓળખને તેમના સંબંધો અને જીવનસાથીની આસપાસ જ સીમિત કરી દે છે. તેના કારણે તેમના માટે પોતાના હિતમાં નિર્ણયો લેવા મુશ્કેલ બની જાય છે.

સંબંધોને બચાવવા, સમાધાન કરવા અને અત્યાચાર કરતા જીવનસાથી પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું સામાજિક દબાણ. આ કેટલાંક એવા પરિબળો છે, જે મહિલાઓને આ ચક્રમાં ફસાવી રાખે છે. આ બધાં કારણોને લીધે મહિલાઓ ઘણીવાર પોતાની જરૂરિયાતો અને સુરક્ષાની અવગણના કરવા લાગે છે.

પતિ-પત્નીના સંબંધોમાં થતી હિંસાની બાળકો પર પણ ઊંડી માનસિક અસર પડે છે. તેમના જણાવ્યા અનુસાર, આ અસર બાળકોના મનમાં ઘર કરી જાય છે અને લાંબા ગાળે તેમના વ્યક્તિત્વ તથા વિચારશક્તિના વિકાસમાં સ્પષ્ટ જોવા મળે છે.

તેમણે મહિલાઓને વાસ્તવિક સંબંધોની સમસ્યાઓ અને દુર્વ્યવહાર વચ્ચેનો તફાવત સમજવા માટે જાગૃતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

મહિલા અધિકાર કાર્યકર યોગિતા ભયાનાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઘરેલુ હિંસાનું સ્વરૂપ અલગ-અલગ સામાજિક અને આર્થિક વર્ગોમાં અલગ હોય છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘વંચિત વર્ગની મહિલાઓ આજે પણ શારીરિક હિંસાનો સામનો કરી રહી છે. તેમની સાથે મારપીટ ચાલુ છે અને ફરિયાદોનું પ્રમાણ પણ લગભગ પહેલાં જેટલું જ છે. તેઓ એ જ વ્યક્તિ સાથે રહેવા મજબૂર છે. પરંતુ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની મહિલાઓના કિસ્સાઓમાં ઘણો ફેરફાર આવ્યો છે અને તેમણે ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું છે. જ્યારે સમૃદ્ધ વર્ગમાં ભાવનાત્મક ત્રાસના કિસ્સાઓ વધારે છે.’

ભયાનાએ જણાવ્યું કે આર્થિક રીતે નબળી પૃષ્ઠભૂમિની મહિલાઓ વારંવાર શારીરિક હિંસાનો સામનો કરવા છતાં પોલીસ પાસે જતાં અચકાય છે. તેમને બાળકોની ચિંતા, સામાજિક દબાણ અને પતિને છોડ્યા પછીના ભવિષ્યની અનિશ્ચિતતા સતાવે છે.

તેમણે જણાવ્યું કે આર્થિક શોષણની પણ ઘણીવાર અવગણના થાય છે. ઘણા કિસ્સાઓમાં પતિ મહિલાઓની કમાણી પોતાની પાસે રાખી લે છે અને તેમને પોતાના પૈસા પર પણ નિયંત્રણ રાખવા દેતા નથી.

ભયાનાના જણાવ્યા અનુસાર, પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ મહિલાઓ માટે ડરાવનારી હોય છે. પોલીસની કાર્યવાહી અને મેડિકલ તપાસની આશંકાને કારણે ઘણી મહિલાઓ સામે આવવાનું ટાળે છે.

આર્થિક આત્મનિર્ભરતા મહિલાઓને આત્મવિશ્વાસ અને દુર્વ્યવહારનો વિરોધ કરવાની ક્ષમતા ચોક્કસ આપે છે. પરંતુ સામાજિક માનસિકતા, પરિવારનું દબાણ અને બાળકોના ઉછેરની ચિંતા જેવાં અન્ય પરિબળો પણ તેમના નિર્ણયોને અસર કરે છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. ભાવના બર્મીએ જણાવ્યું કે લાંબા સમય સુધી ઘરેલુ હિંસાનો સામનો કરવાથી મહિલાઓમાં ચિંતા, ડિપ્રેશન, માનસિક તણાવ પછી થતી સમસ્યાઓ, આત્મસન્માનમાં ઘટાડો અને ભાવનાત્મક થાક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે સામાજિક બદનામી, આર્થિક નિર્ભરતા અને લોકોની પ્રતિક્રિયાનો ડર મહિલાઓને પોતાના અનુભવો છુપાવવા અથવા તેમને સામાન્ય માનવા મજબૂર કરે છે.

Share This Article