સ્ટ્રીટ ફૂડમાં સૌથી ખરાબ રેટિંગવાળી વાનગીઓ બાબતે જાણો
Saturday, 02 September 2023
સ્ટ્રીટ ફૂડમાં સૌથી ખરાબ રેટિંગવાળી વાનગીઓ બાબતે જાણો
આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો સ્વાદના એકદમ શોખિન હોઈએ અને વાત કરીએ ભારતના સૌથી વધુ સક્સેસફુલ બિઝનેસની તો આ બિઝનેસ છે ફૂડ સાથે સંકળાયેલો બિઝનેસ. એમાં પણ વાત જ્યારે ભારતના ફેમસ સ્ટ્રીટ ફૂડની હોય તો તે માત્ર ભારત નહીં પણ દુનિયાભરમાં ખૂબ જ પ્રચલિત છે. ભારતીયોની સાથે સાથે ભારત ફરવા માટે આવેલા ફોરેનર્સ અને ટુરિસ્ટ પણ આંગળીઓ ચાટી ચાટીને આ ફૂડ હોંશે-હોંશે ચાંઉ કરી જાય છે. આ સ્ટ્રીટ ફૂડમાં ગોલગપ્પા, ભેળ, વડાપાંઉ, પાણીપુરી અને ચાટ સહિત ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું નામ સાંભળીને કે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે.
સ્ટ્રીટ ફૂડનું નામ સાંભળીને અત્યાર સુધીમાં તો તમારા મોંમાંથી પણ લાળ ટપકવા લાગી જ હશે નહીં? પરંતુ આ સમાચાર વાંચીને તમારું મન સ્ટ્રીટ ફૂડ પરથી ઉઠી જશે એટલું જ નહીં પણ તમે આ સ્ટ્રીટ ફૂડ ખાતા પહેલાં 100 વખત વિચાર કરશો. ટ્રેડિશનલ ફૂડ ગાઈડ ટેસ્ટ એટલાસ દ્વારા તાજેતરમાં જ સૌથી ખરાબ રેટિંગવાળા ઈન્ડિયા સ્ટ્રીટ ફૂડ્સની યાદી તૈયાર કરવામાં આવી છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં મહારાષ્ટ્રની સૌથી ફેમસ દહીં પુરી પહેલાં સ્થાને આવે છે, એટલે કે તેને સૌથી ખરાબ રેટિંગ મળ્યું છે.
આ રેન્કિંગ 17મી ઓગસ્ટ સુધી મળેલા 2508 રેટિંગ્સના આધારે નક્કી કરવામાં આવી છે. જોકે, આ 2508માંથી ટેસ્ટ એટલાસે 1773 રેટિંગ્સને યોગ્ય કરાર આપ્યો છે. આ યાદીમાં મધ્યપ્રદેશની બેસનમાંથી બનાવવામાં આવતી મસાલેદાર સેવ બીજા સૌથી ખરાબ ફૂડના સ્થાને હતું, તો ત્રીજા સ્થાને આવે ગુજરાતના કચ્છની દાબેલી છે. મુંબઈની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચની વાત હોય તો તેણે પણ આ યાદીમાં ચોથા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. ઈંડા ભુર્જીને 5મું તો દહીં વડાને છઠ્ઠું સ્થાન, સાબુદાણાના વડાને 7મું સ્થાન અને પંજાબના ગોબી પરાઠાને 8મું સ્થાન મળ્યું છે. જ્યારે પાપડી ચાટ આ યાદીમાં 9મ સ્થાને છે. જ્યારે, દક્ષિણ ભારતના આલૂ બોન્ડાનું નામ આ યાદીમાં સૌથી છેલ્લા સ્થાને એટલે કે દસમા નંબરે આવે છે.
અહીંયા તમારી જાણ માટે કે ભારતમાં મળતા મોટાભાગના સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા, કારણ કે તેને તૈયાર કરતી વખતે હાઈજિન કે સ્વચ્છતાનું પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. એટલું જ નહીં આ સ્ટ્રીટ ફૂડ તૈયાર કરતી વખતે ઉપયોગમાં ગંદુ પાણી લેવામાં આવે છે. આ સિવાય તેને તળતી વખતે વારંવાર ગરમ થયેલાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે આ વાનગીઓ આરોગ્યપ્રદ બનતી નથી. એવી ઘણી બધી વાનગીઓ છે કે જેને જો સ્વચ્છતાથી બનાવવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. જોકે, એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે વધારે પડતું સ્ટ્રીટ ફૂડનું સેવન આરોગ્ય માટે જોખમી સાબિત થાય છે.