Foods for Healthy Hair: દરેક વ્યક્તિ પોતાના વાળને ચમકતા અને મજબૂત રાખવા માંગતો હોય છે. આ ઇચ્છા પૂરી કરવા માટે લોકો વિવિધ પ્રકારના શેમ્પૂ, તેલ અને ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચે છે. પરંતુ શું તમે જાણો છો કે, શરીરના બાકીના ભાગોની જેમ સ્વસ્થ વાળનું રહસ્ય ખરેખર તમારા આંતરિક સ્વાસ્થ્યથી શરુ થાય છે? હા, વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા છે. આનો અર્થ એ છે કે જો તમે સ્વસ્થ વાળ ઇચ્છતા હો, તો તમારા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
પ્રોટીનની સાથે, બાયોટિન, વિટામિન E, D જેવા વિટામિન અને ઝિંક અને આયર્ન જેવા ખનિજો તમારા વાળને મજબૂત બનાવવામાં અને વાળને ખરતા અટકાવે છે. આ બધી વસ્તુઓ ઘણા દેશી ખોરાકમાં મળી શકે છે. આજે અમે તમને આવા 5 દેશી ખોરાક વિશે જણાવીશું, જે તમારા વાળને કુદરતી રીતે સ્વસ્થ અને સુંદર બનાવી શકે છે.
1. આમળા
આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે, વાળ તૂટતાં અટકાવે છે અને વાળને વહેલા સફેદ થતાં પણ રોકે છે.
2. મીઠા લીમડાના પાન
આ લીલા પાનમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન હોય છે. જે વાળનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી વાળ વહેલા સફેદ થતાં અટકે છે.
3. મેથીના દાણા
મેથીના દાણામાં પ્રોટીન અને લેસીથીન હોય છે, જે ખોડો, ડ્રાયનેસ અને પાતળા વાળની સમસ્યાથી લડે છે. તે વાળમાં કુદરતી ચમક લાવે છે અને તમારી સ્કેલ્પને પણ તંદુરસ્ત બનાવે છે.
4. પાલક
આ લીલી શાકભાજીમાં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે તમારી સ્કેલ્પમાં લોહીનો પ્રવાહ વધારે છે, આયર્નની ઉણપને કારણે વાળને ખરતા અટકાવે છે અને વાળના વિકાસમાં મદદરૂપ થાય છે.
5. નાળિયેર
નાળિયેર સ્કેલ્પને ઊંડાણપૂર્વક પોષણ આપે છે. તમે તેને કાચું પણ ખાઈ શકો છો અને તેલ તરીકે પણ વાપરી શકો છો. તેના હેલ્ધી ફેટ્સ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને તૂટતાં અટકાવે છે