Anti-Obesity Drugs Study India: ડાયાબિટીસ વગરના અને યુવાન લોકોનું વજન ઝડપથી ઘટે છે, ચોંકાવી દેશે GLP-1 દવાઓ પરની નવી સ્ટડી

Arati Parmar
3 Min Read

Anti-Obesity Drugs Study India: આપણા દેશમાં નવી પેઢીની વજન ઘટાડવાની દવાઓ પર થયેલા એક સ્ટડીમાં સામે આવ્યું છે કે, જે લોકોને ડાયાબિટીસ નથી અને જે દર્દીઓની ઉંમર ઓછી છે, તેમનામાં વજન ઝડપથી ઓછું થાય છે. આ સ્ટડી દેશમાં પહેલીવાર વાસ્તવિક પરિસ્થિતિઓમાં કરવામાં આવી છે, જેમાં ઓવરવેઈટ અને મેદસ્વીતા સામે ઝઝૂમી રહેલા લોકો પર આ દવાઓની અસર જોવામાં આવી છે. આ રિસર્ચ ૧૫૦ એવા લોકો પર આધારિત છે, જેમને ૬ મહિના સુધી ઈન્જેક્શન દ્વારા સેમાગ્લુટાઈડ અને ટિર્ઝેપેટાઈડ જેવી દવાઓ આપવામાં આવી હતી. આ બંને દવાઓ GLP-1 થેરાપી સાથે જોડાયેલી છે, જે પહેલા ટાઈપ-૨ ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવી હતી, પરંતુ હવે મેદસ્વીતાની સારવારમાં પણ વપરાય છે. આ સ્ટડીના પરિણામો ‘ઈન્ડિયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ’ માં પ્રકાશિત થયા છે.

કેટલા લોકોનું વજન કેટલું ઘટ્યું?

સ્ટડી અનુસાર, અંદાજે ૪૧ ટકા સહભાગીઓનું વજન ૧૦ ટકાથી વધુ ઓછું થયું. એકંદરે સરેરાશ વજન ઘટવાનો દર ૮.૨ ટકા રહ્યો. આ સ્ટડીમાં ડાયાબિટીસવાળા અને ડાયાબિટીસ વગરના લોકો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ દેખાયો. જે લોકોને ડાયાબિટીસ નહોતો, તેમનું વજન સરેરાશ ૧૧.૨૧ ટકા સુધી ઘટ્યું, જ્યારે ડાયાબિટીસના દર્દીઓમાં આ ઘટાડો અંદાજે ૫.૪૮ ટકા રહ્યો.

- Advertisement -

કઈ દવાઓ વધુ અસરકારક રહી?

આ સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે ટિર્ઝેપેટાઈડ લેનારા દર્દીઓમાં વજન ઘટવાનો દર વધુ રહ્યો. આ દવા સાથે સરેરાશ વજનમાં ૮.૬૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે સેમાગ્લુટાઈડ લેનારાઓમાં તે ૫.૬૨ ટકા હતો. આ ઉપરાંત, જે દર્દીઓએ પહેલા ક્યારેય GLP-1 થેરાપી લીધી નહોતી, તેમનામાં વજન ઝડપથી ઘટતું જોવા મળ્યું.

સ્ટડીમાં ઉંમરની પણ અસર દેખાઈ

રિસર્ચમાં સામે આવ્યું કે યુવાનોમાં વજન ઓછું થવાની પ્રક્રિયા ઝડપી હોય છે. ખાસ કરીને ૧૦ ટકાથી વધુ વજન ઘટાડવાનું લક્ષ્ય યુવાન અને નવા દર્દીઓમાં જલ્દી હાંસલ થયું. જોકે, ૧૦ ટકાથી ઓછું વજન ઘટાડવાની ઝડપ પર ડાયાબિટીસની ખાસ અસર જોવા મળી નથી. આ ઉપરાંત, સ્ટડી અનુસાર ૧૦ ટકાથી વધુ વજન ઘટાડવામાં સરેરાશ ૯.૫ મહિનાનો સમય લાગ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે આ દવાઓની સંપૂર્ણ અસર સામાન્ય રીતે ૧૨ થી ૧૮ મહિનાની વચ્ચે દેખાય છે.

- Advertisement -

ડાયાબિટીસ અને મેદસ્વીતા વચ્ચેનું કનેક્શન

સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે જે દર્દીઓને ડાયાબિટીસની સાથે મેદસ્વીતા પણ છે, તેમનામાં વજન ઓછું થવું પ્રમાણમાં મુશ્કેલ હોય છે. નિષ્ણાતોના મતે ભારતીય દર્દીઓમાં મેટાબોલિઝમ સંબંધિત સમસ્યા વધુ ગંભીર હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓ અગાઉથી ઘણી દવાઓ લેતા હોય છે, જેમાં ઇન્સ્યુલિન પણ સામેલ હોઈ શકે છે, જેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ પરિણામ એવા સમયે સામે આવ્યા છે જ્યારે સેમાગ્લુટાઈડનું પેટન્ટ ખતમ થઈ ગયું છે, જેનાથી ભારતના ઝડપથી વધતા એન્ટી-ઓબેસિટી માર્કેટમાં ઘણી જેનરિક વર્ઝનનો રસ્તો સાફ થઈ ગયો છે. એક અંદાજ મુજબ ભારતમાં આશરે ૧૦.૧ કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, ૨૫.૪ કરોડ લોકો જનરલાઈઝ્ડ ઓબેસિટીથી અને ૩૫.૧ ટકા લોકો પેટની મેદસ્વીતાથી પીડિત છે. ડોક્ટરો અનુસાર આ બધું બદલાતા ખાનપાન અને વધતી જતી સેડેન્ટરી (બેઠાડુ) લાઈફસ્ટાઈલને કારણે થઈ રહ્યું છે.

- Advertisement -
Share This Article