Munakka Health Benefits: દરરોજ મુંનક્કા ખાવાથી કબજિયાત, લોહીની ઊણપ અને થાકમાં મળી શકે છે રાહત, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી લાભો

Arati Parmar
6 Min Read
Munakka Health Benefits

Munakka Health Benefits: મુંનક્કાનો ઉપયોગ ભારતીય ઘરોમાં લાંબા સમયથી કરવામાં આવે છે. તેને ક્યારેક દૂધ સાથે તો ક્યારેક પલાળીને ખાવામાં આવે છે. સ્વાદમાં મીઠો હોવાની સાથે તેમાં ફાઇબર, પોટૅશિયમ, આયર્ન અને અનેક કુદરતી પ્લાન્ટ કમ્પાઉન્ડ પણ જોવા મળે છે. આ જ કારણ છે કે પરંપરાગત રીતે તેને પાચન અને સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે. મુંનક્કા દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી કુદરતી શર્કરા, કાર્બોહાઇડ્રેટ અને અનેક ખનિજો પ્રમાણમાં વધુ હોય છે. તેમાં ડાયેટરી ફાઇબર, આયર્ન, પોટૅશિયમ, કૅલ્શિયમ, મેગ્નેશિયમ અને કેટલાક વિટામિન પણ મળે છે. આગળ જાણીએ કે મુંનક્કા ખાવાથી સ્વાસ્થ્યને કયા લાભ મળે છે.

નબળાઈ શા માટે થાય છે અને મુંનક્કા તેને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

મુંનક્કાના લાભો પર વિચાર કરતાં પહેલાં, આપણે આજની સ્વાસ્થ્ય સમસ્યાઓનાં મૂળ કારણો સમજવાં જરૂરી છે. આપણે આટલા થાકેલા શા માટે રહીએ છીએ? આપણું પાચન આટલું ધીમું શા માટે છે?

- Advertisement -

આયુર્વેદમાં મોટાભાગના લાંબા સમય સુધી રહેતા રોગોનું મૂળ કારણ બે મુખ્ય અસંતુલન માનવામાં આવે છે. તેમાં પહેલું અગ્નિમાંદ્ય (નબળી પાચનશક્તિ – મેટાબોલિઝમ ફાયર) અને બીજું રક્તઅલ્પતા (લોહીની ઊણપ) છે. આધુનિક ભાષામાં તેનો સીધો અર્થ આંતરડાંમાં રહેલા સૂક્ષ્મજીવો (ગટ બૅક્ટેરિયા)નું અસંતુલન અને કોષોમાં પોષક તત્ત્વોની ઊણપ થાય છે, જે ઘણીવાર લાંબા સમયના તણાવ, પ્રોસેસ્ડ ફૂડ અને બેઠાડુ જીવનશૈલીને કારણે થાય છે.

જ્યારે આંતરડાંની પાચનશક્તિ નબળી પડે છે, ત્યારે ઝેરી તત્ત્વો (આમ) એકઠાં થવા લાગે છે. પાચક રસની શક્તિ ઘટવાથી શરીર આયર્નનું શોષણ કરી શકતું નથી, જેના કારણે હળવી એનિમિયાની સમસ્યા થાય છે. આંતરડાં શુષ્ક બની જાય છે, જેના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. તમને કેલરીની ઊણપને કારણે નહીં, પરંતુ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ઊણપને કારણે ‘મગજ સુસ્ત’ હોવાનો અનુભવ અને થાક લાગે છે. અહીં મુંનક્કા માત્ર કામચલાઉ ઉપાય તરીકે નહીં, પરંતુ સમગ્ર તંત્રને સુધારનાર ખાદ્ય પદાર્થ તરીકે કામ કરે છે.

- Advertisement -

મુંનક્કાથી કબજિયાત કેવી રીતે દૂર થાય છે?

વધતી ઉંમરના એવા લોકો, જેઓ બહારનું ભોજન લે છે અને ડેસ્ક જૉબ કરે છે, તેમને ઘણીવાર અનિયમિત મળત્યાગની સમસ્યા (કબજિયાત) થાય છે. મુંનક્કા સંતુલિત પ્રક્રિયા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. જાણીએ કબજિયાતમાં મુંનક્કાના કયા લાભ થાય છે.

– અદ્રાવ્ય ફાઇબરનું પ્રમાણ: મુંનક્કાની છાલમાં પુષ્કળ પ્રમાણમાં અદ્રાવ્ય ફાઇબર (ઇનસૉલ્યુબલ ફાઇબર) હોય છે, જે આંતરડાંમાં પાણીનું શોષણ કરે છે. તેનાથી મળનું પ્રમાણ વધે છે અને કુદરતી પેરિસ્ટાલિસિસને ઉત્તેજિત કરે છે. આ પ્રક્રિયામાં સ્નાયુઓનું સંકોચન વધે છે, જે શરીરમાંથી કચરાને બહાર કાઢે છે.

- Advertisement -

– ઠંડક આપતી રેચક અસર: આયુર્વેદમાં મુંનક્કાને સ્નિગ્ધ અને રેચક માનવામાં આવે છે. તે શુષ્ક અને સોજો ધરાવતી આંતરડાંની દીવાલોને સ્નિગ્ધતા આપે છે. જેના કારણે આંતરડાંમાં રહેલો મળ સરળતાથી બહાર નીકળી જાય છે.

– વિજ્ઞાન શું કહે છે: સૂકાં આલૂબુખારા અને મોટી કિસમિસ પર કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે તેમાં રહેલું વધુ પ્રમાણમાં સૉર્બિટોલ અને ફાઇબર કુદરતી રીતે મોટા આંતરડામાં પાણી ખેંચે છે. તેનાથી મળ નરમ બને છે અને રાસાયણિક રેચક દવાઓ (કેમિકલ બેઝ્ડ લેક્સેટિવ મેડિસિન)થી થતી પેટમાં મરોડ કે દવાઓ પર નિર્ભરતા જેવી સમસ્યાઓ થતી નથી.

આયર્નની ઊણપ દૂર કરવામાં મદદરૂપ

આયર્નની ઊણપ વિશ્વભરમાં પોષણ સંબંધિત સૌથી સામાન્ય ઊણપોમાંની એક છે, જેના કારણે લાંબા સમય સુધી થાક, ત્વચા પીળી પડવી અને વાળ ખરવા જેવી સમસ્યાઓ થાય છે. મુંનક્કામાં સરળતાથી શોષાઈ શકે તેવું આયર્ન અને લાલ રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી વિટામિન B-કૉમ્પ્લેક્સનાં ઘટકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ વાત અહીં પૂરી થતી નથી. તેમાં કૉપર પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે રક્તપ્રવાહમાં આયર્નના શોષણ માટે અત્યંત જરૂરી ખનિજ માનવામાં આવે છે.

એન્ટીઑક્સિડન્ટ સોજો ઘટાડવા અને ત્વચા સુધારવામાં મદદરૂપ

ઑક્સિડેટિવ સ્ટ્રેસ શરીરમાં સૂક્ષ્મ કાટની જેમ કામ કરતા ફ્રી રૅડિકલ્સને કારણે થાય છે, જે આપણા કોષોની કાર્યપ્રણાલીને નુકસાન પહોંચાડે છે. મુંનક્કામાં એન્ટીઑક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે, ખાસ કરીને કેટેચિન અને ટ્રાન્સ-રેસ્વેરાટ્રોલ. આ કમ્પાઉન્ડ ફ્રી રૅડિકલ્સને દૂર કરીને તેમને નિષ્ક્રિય બનાવે છે. એન્ટીઑક્સિડન્ટને એક ઉત્તમ ‘સેલ્યુલર ઇન્શ્યોરન્સ પૉલિસી’ તરીકે સમજી શકાય છે. તે તમારા DNAને નુકસાનથી બચાવે છે, શરીરની અંદરના સોજા (ઇન્ફ્લેમેશન) ઘટાડે છે અને તમારી ત્વચાને અંદરથી બહાર સુધી ચમકદાર તથા યુવાન બનાવવામાં મદદ કરે છે.

મુંનક્કા ખાવું હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

હૃદયનું સ્વાસ્થ્ય માત્ર વૃદ્ધોની ચિંતાનો વિષય નથી. હૃદયના સ્વાસ્થ્યનો પાયો તો 20 વર્ષની ઉંમરથી જ નંખાય છે. મુંનક્કા ત્રણ રીતે હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.

– સોડિયમ-પોટૅશિયમનું સંતુલન: આજકાલના ખોરાકમાં સોડિયમનું પ્રમાણ જોખમી હદે વધારે હોય છે, જે રક્તવાહિકાઓને સંકોચે છે અને બ્લડ પ્રેશર વધારે છે. મુંનક્કામાં રહેલું પુષ્કળ પોટૅશિયમ શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર કાઢે છે, જેના કારણે રક્તવાહિકાઓની દીવાલો હળવી થાય છે.

– કૉલેસ્ટેરોલનું નિયંત્રણ: મુંનક્કામાં રહેલું દ્રાવ્ય ફાઇબર પાચનતંત્રમાં રહેલા કૉલેસ્ટેરોલ સાથે જોડાઈ જાય છે. તેનાથી શરીર આ કૉલેસ્ટેરોલ લોહીના પ્રવાહમાં શોષાય તે પહેલાં જ તેને બહાર કાઢી શકે છે.

– એન્ડોથેલિયલ કાર્ય: મુંનક્કામાં રહેલા પૉલીફિનોલ્સ ‘નાઇટ્રિક ઑક્સાઇડ’ મુક્ત કરવામાં મદદ કરે છે. આ એક એવું કમ્પાઉન્ડ છે, જે રક્તવાહિકાઓને વિસ્તરવાનો સંકેત આપે છે. તેનાથી સમગ્ર શરીરમાં લોહીનો પ્રવાહ સરળ અને સુચારુ રહે છે.

આ સરળ, સસ્તા અને અત્યંત અસરકારક ખાદ્ય પદાર્થને રોજિંદા જીવનમાં સામેલ કરીને તમે માત્ર કબજિયાત કે થાક જેવી કોઈ સમસ્યાનો ઉપાય જ નથી કરતા, પરંતુ તમારા શરીરને તેની કુદરતી સંતુલિત સ્થિતિમાં પાછું લાવવામાં પણ મદદ કરો છો. આગલી વખતે જ્યારે તમને લાગે કે તમારી ઊર્જા ઘટી રહી છે અથવા પાચન યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, ત્યારે કોઈ ગોળી લેવાને બદલે તમારા રસોડામાં રહેલા મુંનક્કાનું સેવન કરી શકો છો.

Share This Article