દેશના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ચંદ્રચૂડે અંતિમ દિવસે કરી 45 કેસની સુનાવણી

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 8 : દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી. વાય. ચંદ્રચુડ 10મી નવેમ્બરે સેવાનિવૃત્ત થશે. તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં તેમનો અંતિમ કાર્યદિવસ હતો. પોતાના વિદાય સંબોધનમાં તેમણે કોઈને ઠેસ પહોંચાડી હોય તો માફી માગી હતી.આજે અંતિમ દિવસે પણ તેમણે 45 કેસની સુનાવણી કરી હતી.

સીજેઆઈ ચંદ્રચુડને વિદાય આપવા માટે વિશેષ સેરેમોનિયલ બેન્ચ બેઠી હતી જેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમની સાથે જસ્ટિસ મનોજ મિશ્રા, જે.બી. પારડીવાલા, 10મી નવેમ્બરથી સીજેઆઈનું પદ સંભાળનારા જસ્ટિસ સંજીવ ખન્ના ઉપરાંત અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબલ સહિત વરિષ્ઠ વકીલો સામેલ થયા હતા. જસ્ટિસ ચંદ્રચુડને 13 મે 2016ના સિટિંગ જજ તરીકે અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી.

- Advertisement -

પોતાના કાર્યકાળ દરમ્યાન સીજેઆઈ ચંદ્રચુડ 1274 બેન્ચનો હિસ્સો રહ્યા હતા. તેમણે કુલ 612 ચુકાદા લખ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં વર્તમાન જજોમાં સીજેઆઈ ચંદ્રચુડે સૌથી વધુ ચુકાદા લખ્યા હતા. અંતિમ દિવસે પણ તેમણે 45 કેસની સુનાવણી કરી હતી. સીજેઆઈ ચંદ્રચુડના બે વર્ષના કાર્યકાળ દરમ્યાનના મોટા ચુકાદામાં કલમ-370, રામ જન્મભૂમિ મંદિર, વન રેન્ક વન પેન્શન, મદરેસા એક્ટ, સબરીમાલા મંદિર વિવાદ, ચૂંટણી બોન્ડ અને સીએએ-એનઆરસી ચુકાદાનો સમાવેશ થાય છે.

Share This Article