Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું એક પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. લેન્ડિંગ વખતે આ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાનું પ્લેન ક્રેશમાં મોત થયું હોય. ચાલો જાણીએ આ પહેલા અન્ય કયા નેતાઓએ આવા વિમાન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
વિજય રૂપાણી: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ
ગુજરાતના અમદાવાદમાં ગત વર્ષે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ ભયાનક અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. લંડન જઈ રહેલા આ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જી.એમ.સી. બાલયોગી: હેલિકોપ્ટર દુર્ઘટના
લોકસભા અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જી.એમ.સી. બાલયોગીનું ૩ માર્ચ ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં તેમનું હેલિકોપ્ટર તળાવમાં ખાબક્યું હતું.
ઓ.પી. જિંદલ: હરિયાણાના મંત્રીનું નિધન
ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમનું હેલિકોપ્ટર દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યું હતું ત્યારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
વાય. એસ. રાજશેખર રેડ્ડી: આંધ્રપ્રદેશના સીએમ
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડી (YSR) નું ૨ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું હતું. તેમનું હેલિકોપ્ટર નલ્લામાલાના જંગલોમાં ક્રેશ થયું હતું.
સંજય ગાંધી: વિમાન અકસ્માત
કોંગ્રેસ નેતા અને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું ૨૩ જૂન ૧૯૮૦ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેઓ દિલ્હી ફ્લાઈંગ ક્લબનું એક વિમાન ઉડાવી રહ્યા હતા જે અચાનક નિયંત્રણ બહાર જઈને ક્રેશ થયું હતું.
માધવરાવ સિંધિયા: પ્લેન ક્રેશમાં કરુણ મોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવરાવ સિંધિયાનું ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. તેમનું ખાનગી વિમાન ઉત્તર પ્રદેશના મેનપુરી પાસે ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું.
સીડીએસ જનરલ બિપિન રાવત: હેલિકોપ્ટર દુર્ઘટના
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું ૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની અને અન્ય ૧૧ સૈન્ય અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યો હતો.
