અબડાસા તાલુકાના તેરા ગામે ટ્રેક્ટર તળે આઠ વર્ષીય બાળક કચડાયો
ભુજ, તા. 17 : તેરા ગામે ગઈકાલે અન્ય બાળકો સાથે રમી રહેલા આઠ વર્ષીય બાળક રેહાન લતીફભાઈ લોધરા ટ્રેકટરના ટાયર તળે ચગદાઈ જતાં કરૂણ મોત નીપજ્યું હતું. મુંદરા તાલુકાના નાના કપાયામાં લકવાની બીમારીથી પીડિત 58 વર્ષીય પ્રૌઢ તેજાભાઈ ગોવાભાઈ સોધમે ઝાડમાં ફાંસો ખાઈ લીધો હતો.
જ્યારે અન્ય એક બનાવ સાંયરા-યક્ષ (તા.નખત્રાણા)માં બન્યો હતો જેમાં ગામના 48 વર્ષીય વસંતગિરિ ભગવાનગિરિ ગોસ્વામીએ પાકમાં છાંટવાની દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેરાના કરૂણ બનાવ અંગે નલિયા પોલીસ મથકે મૃતક રેહાનના પિતા લતીફ ઈસ્માઈલ લોધરાએ નોંધાવેલી ફરીયાદ મુજબ ગઈકાલે રાતે આઠ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર રેહાન ઘરની બહાર શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ટ્રેકટર નં. જીજે-17-બીએન-0545 વાળાના ચાલક ઈકબાલ જુસબ મંધરા (રહે. તેરા)એ પુરઝડપે-બેદરકારીથી ચલાવી ફરીયાદીના પુત્ર રેહાન ઉપર ચડાવી દેતાં ગંભીર ઈજાના પગલે રેહાનનું મોત નીપજ્યું હતું. ટ્રેકટર રેહાનને અડફેટમાં લીધા બાદ દિવાલ સાથે ટકરાતાં દિવાલમાં બાકોરૂં થઈ ગયું હતું. ટ્રેકટર ચાલક અકસ્માત બાદ ટ્રેકટર મુકી નાસી ગયો હતો.
નલીયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુંદરા તાલુકાના નાના કપાયામાં તેજાભાઈ સોધમ છેલ્લા દસેક મહિનાથી લકવાની બીમારીથી પીડાતા હતા આ વચ્ચે ગઈકાલે મધ્ય રાતથી સવાર સુધી તેમણે પોતાના ઘરની સામે ઝાડમાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
બીજી તરફ નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષ ખાતે 48 વર્ષીય આધેડ વસંતગિરિ ગોસ્વામીએ ગત તા.15/4ના બપોરે પોતાની વાડીમાં પાકમાં છાંટવાની દવા પી જતાં તેમને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ પરંતુ અંતે સારવાર કારગત ન નીવડતાં ગઈકાલે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.
