નવી દિલ્હી, તા. 18 : દેશની સીમાઓની સુરક્ષા કાજે સતત સમર્પિત અને સજ્જ દેશના જાંબાઝ જવાનો પર દરેક દેશવાસીને ગૌરવ થાય, તેવા એક દિલધડક ઘટનાક્રમમાં ભારતીય કોસ્ટગાર્ડ (તટરક્ષક દળ)ના જવાનોએ બે કલાક સુધી પીછો કરીને પાકિસ્તાનની ચુંગાલમાંથી છોડાવતાં સાત ભારતીય માછીમારોને બચાવ્યા હતા.
અરબી સમુદ્રમાં ભારતીય માછીમારો પર પાકિસ્તાની મરીન દ્વારા ગોળીબાર કરાતાં માછીમાર બોટ કાલભૈરવને નુકસાન થયું હતું, પરંતુ ભારતીય જવાનોએ તમામ સાત માછીમારોને બચાવી લીધા હતા. પાક સમુદ્રી સીમાની નજીક તૈનાત ભારતીય કોસ્ટગાર્ડનાં જહાજ `અગ્રિમ’ દ્વારા પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીના જહાજ પીએમએસ નૂસરતનો પીછો કર્યો હતો.
બે કલાક સુધી પીછો કરીને પાકનાં જહાજને આંતરી લીધા પછી જવાનોએ ચેતવણી આપી હતી કે, કોઇપણ સંજોગોમાં ભારતીય માછીમારોને ભારતીય સીમામાં કાળભૈરવ ફિશિંગ બોટમાંથી લઇ જવાની છૂટ પાક જહાજને આપવાના નથી. ભારતીય કોસ્ટગાર્ડના બહાદુર જવાનોએ ભારતીય માછીમારોને છોડાવવા કરેલી કવાયત દરમ્યાન કમનસીબે ભારતીય માછીમારી બોટ કાલભૈરવ ક્ષતિગ્રસ્ત થઇને ડૂબી ગઇ હતી. ભારતીય કોસ્ટગાર્ડનાં નિવેદનમાં જણાવાયું હતું કે, બચાવાયેલા સાતેય માછીમારો માનસિક રીતે સ્વસ્થ છે.
તમામ માછીમારોને ગુજરાતમાં ઓખા બંદરે લવાયા હતા. ત્યારબાદ કોસ્ટગાર્ડ ઉપરાંત રાજ્ય પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓએ ઘર્ષણ અને બચાવ અભિયાનના સંજોગો અંગે માછીમારોની પૂછપરછ કરી હતી. આ તમામ વિભાગોએ ઘર્ષણ તેમજ બચાવ અભિયાનના ઘટનાક્રમોના સંજોગો, કારણો જાણવા તપાસ હાથ ધરી હતી.

