ચંડીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતમાં ચારનાં મોત : કાવતરાંની આશંકા

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 18 : ઉત્તરપ્રદેશના ગોંડામાં ગુરુવારે બપોરે રેલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગોરખપુર થઈને ચંડીગઢથી આસામ જઈ રહેલી ચંડીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના છ ડબ્બા પાટા ઉપરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે અને 20ને ઈજા પહોંચી છે. આ ઘટનામાં કાવતરાંની પણ દહેશત છે. કારણ કે ચાલકે દાવો કર્યો છે કે અકસ્માત પહેલાં તેણે ધડાકા જેવો અવાજ સાંભળ્યો હતો, જેને લઇને ઉચ્ચ કક્ષાએ તપાસ શરૂ થઇ છે.

train accident

- Advertisement -

ટ્રેન ટ્રેક ઉપરથી ઊતરવાની ઘટના ગોરખપુર રેલવેના મોતીગંજ સીમાની છે. અકસ્માતની જાણકારી મળતાંની સાથે જ તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને બચાવ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને બોલાવી લેવામાં આવી હતી. રેલવેએ દુર્ઘટનાને ધ્યાને લઈને હેલ્પલાઇન નંબર જારી કરી દીધા હતા, જ્યારે દુર્ઘટનાના રૂટ ઉપરથી પસાર થનારી 11 ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી અને બે ટ્રેન રદ કરવામાં આવી હતી. રેલ મંત્રાલયે મૃતકોના પરિવારને દસ લાખ, ગંભીર ઘાયલોને રૂા. 2.50 લાખ અને સામાન્ય ઇજા પામનારાઓને રૂા. 50,000ના વળતરની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકારે રેલ સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી જ્યારે કોચમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એક યાત્રીના કહેવા પ્રમાણે દુર્ઘટના બપોરના 2.30 વાગ્યા આસપાસ બની હતી. ચંડીગઢથી ટ્રેન નીકળી હતી અને ગોંડાથી લગભગ 20 કિ.મી. આગળ બનાવ બન્યો છે.

ટ્રેનના કોચ ટ્રેક ઉપરથી ઊતરવાની સાથે ટ્રેક પણ પૂરો ઉખડી ગયો હતો. લોકો ખૂબ મહેનતે ટ્રેનમાંથી બહાર આવી શક્યા હતા. 10થી 12 ડબ્બામાંથી એસી કોચની સ્થિતિ સૌથી ખરાબ બની હતી. આ ટ્રેનનું આગામી સ્ટેશન ગોરખપુર હતું, તેવામાં ગોરખપુર સ્ટેશને પોતાના ઓળખીતાઓને લેવા પહોંચેલા લોકોમાં પણ અફરાતફરી જોવા મળી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલ અકસ્માત ઉપર સંજ્ઞાન લીધું હતું અને અધિકારીઓને તાકીદે સ્થળ ઉપર પહોંચી રાહતકાર્યમાં તેજી લાવવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ ઘાયલોના યોગ્ય ઈલાજ માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. સીએમ યોગીએ પોસ્ટ મારફતે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. યુપી સરકાર આ મામલે આસામની સરકાર સાથે સંપર્કમાં પણ રહી હતી. સીએમના નિર્દેશ ઉપર આસપાસના જિલ્લાની તમામ હોસ્પિટલ, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી હતી.

- Advertisement -
Share This Article