ISRO PSLV C62 Launch: અંતરિક્ષમાં ભારતની નવી આંખ: કાલે ઇસરો રચશે ઇતિહાસ, PSLV C62 સાથે ૧૮ સેટેલાઇટ ભરી દેશે ઉડાન

Arati Parmar
2 Min Read

ISRO PSLV C62 Launch: કાલનો દિવસ ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ભારત નવા વર્ષ (૨૦૨૬) પર સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં એક ચમત્કાર કરવા જઈ રહ્યું છે. આ મિશનને આકાશમાં ભારતની આંખ સ્થાપિત કરવાના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. અહીં ખાસ વાત એ છે કે કાલે ભારત માત્ર પોતાનું જ મિશન લોન્ચ નથી કરી રહ્યું, પરંતુ વિદેશી એજન્સી અને ભારતીય સ્ટાર્ટઅપ્સના ૧૭ સેટેલાઇટ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ISRO ૨૦૨૬ નું પોતાનું પ્રથમ લોન્ચ PSLV C62 મિશન સોમવારે (૧૨ જાન્યુઆરી) ના રોજ સવારે ૧૦.૧૭ વાગ્યે શ્રીહરિકોટા સ્પેસપોર્ટના પ્રથમ લોન્ચપેડ પરથી કરશે. આ રોકેટ એક એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (કોડ-નેમ ‘અન્વેષા’) લોન્ચ કરશે, જે અંતરિક્ષમાંથી ભારતની દેખરેખ ક્ષમતાઓમાં વધારો કરશે. મુખ્ય પેલોડ EOS-N1 ઉપરાંત, PSLV એક યુરોપિયન ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ અને ભારતીય તેમજ વિદેશી એજન્સીઓના ૧૭ અન્ય સેટેલાઇટ પણ લઈ જશે.

- Advertisement -

સીમાઓ સુરક્ષિત કરવામાં મળશે મદદ

ખરેખર, EOS-N1 એક હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટ છે, જેને મુખ્યત્વે DRDO માટે ડેવલપ કરવામાં આવ્યો છે. તે જમીન પર રહેલી વસ્તુઓને ઓળખવા માટે સેંકડો વેવલેન્થમાં ‘જોવા’ માટે સક્ષમ છે, જેનાથી તે રાષ્ટ્રીય સુરક્ષા અને દેખરેખ માટે એક ખૂબ જ જરૂરી સંપત્તિ બની જાય છે. તે ભારતને પોતાની સીમાઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે અને તેનો ઉપયોગ ખેતી, શહેરી મેપિંગ અને પર્યાવરણ ઓબ્ઝર્વેશન જેવા ક્ષેત્રોમાં પણ કરવામાં આવશે.

૧૮ સેકન્ડરી પેલોડ પણ જશે સાથે

EOS-N1 ઉપરાંત, યુરોપના ‘કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર’ સહિત ૧૮ સેકન્ડરી પેલોડ પ્રાઇમરી સેટેલાઇટની સાથે જશે અને તેમને અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવશે. KID મિશનમાં એક સ્પેનિશ સ્ટાર્ટઅપના સહયોગથી એક નાના કેપ્સ્યુલની એક્સપેરિમેન્ટલ રી-એન્ટ્રી થશે, જેની યોજના સાઉથ પેસિફિક મહાસાગરમાં પડવાની છે.

- Advertisement -

આમના સેટેલાઇટ પણ કાલે થશે લોન્ચ

બીજા સેકન્ડરી પેલોડમાં ભારતીય સ્ટાર્ટઅપ અને યુનિવર્સિટીના ક્યુબસેટ (CubeSat) સામેલ છે, જેમાં સીવી રમણ ગ્લોબલ યુનિવર્સિટીનો CGUSAT-1, ધ્રુવ સ્પેસનો DA-1, સ્પેસ કિડ્ઝ ઇન્ડિયાનો SR-2, આસામ ડોન બોસ્કો યુનિવર્સિટીનો લચિત-1, અક્ષત એરોસ્પેસનો Solaras-S4 અને દયાનંદ સાગર યુનિવર્સિટીનો DSAT-1 સામેલ છે. OrbitAID એરોસ્પેસ AayulSAT સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે, જે ભારતનો પ્રથમ ઓન-ઓર્બિટ સેટેલાઇટ રિફ્યુઅલિંગ પેલોડ છે.

Share This Article