Jammu and Kashmir Kathua Cloud Burst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક આભ ફાટવાની કુદરતી આપત્તિ ત્રાટક્યાને હજુ તો અઠવાડિયું પણ નથી થયું ત્યાં હવે કઠુઆમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી મળતી લેટેસ્ટ માહિતી અનુસાર સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 4 લોકોના મોત તથા 6થી વધુ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.
રેસ્ક્યૂ ટીમ કઠુઆ રવાના થઇ
ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને રાહત તથા બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુખ્ય ગામડાઓ સંપર્કવિહોણા થઈ ગયા છે કેમ કે આભ ફાટવાની ઘટનાને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
કઠુઆમાં સ્થિતિ ભયજનક
અધિકારીઓએ કહ્યું કે શનિવાર અને રવિવારે મધરાતે કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં આવેલા જોડ ઘાટી ગામમાં આભ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે ગામ સંપર્કવિહોણું થયું હતું. અહીં લોકોના ઘર, જમીન અને સંપત્તિને મોટાપાયે નુકસાન થયું છે. શરૂઆતમાં તો કોઈ જાનહાનિના અહેવાલ નહોતા પણ પછીથી ચારના મોતની પુષ્ટી થઈ અને છથી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી.
કેન્દ્રીય મંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ મામલે ટ્વિટ કરતાં જાણકારી આપી કે મેં કઠુઆના એસએસપી શોભિત સક્સેના જોડે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે. અત્યાર સુધી ચારના મોતની પુષ્ટી થઇ છે જ્યારે રેલવે ટ્રેકને મોટાપાયે નુકસાન થયું છે. હાઈવે અને પોલીસ સ્ટેશન પણ ક્ષતિગ્રસ્ત થયા છે. વહીવટીતંત્ર, સૈન્ય અને પેરામિલિટ્રી ફોર્સ બચાવ કામગીરી ઝડપથી ચલાવી રહ્યા છે. હાલમાં સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મૃતકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.