Kullu Cloudburst : હિમાચલ પ્રદેશના વરસાદના કારણે હાલ ચારેબાજુ તબાહી છે. આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે કુલ્લુના ટકોલી શાક માર્કેટ અને ટકોલી ફોરલેન વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે તબાહી સર્જાઈ છે. અહીં પણ આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી જેના બાદ તબાહીના મંજર સામે આવ્યા હતા.
જનપદની ઔટ તહસીલના કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર જેવી ઘટનાઓ સામે આવી છે. પનારસા, ટકોલી અને નગવાઈમાં ફ્લેશ ફ્લડને કારણે ઘણું નુકસાન થયું છે.
ટકોલી શાક માર્કેટમાં કાદવના કારણે વેપારીઓને ભારે નુકસાન
ટકોલીના મુખ્ય શાક માર્કેટમાં કાદવ અને કાંપ ઘૂસી જવાથી વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. હજારો શાકભાજી અને ફળોના બોક્સ બગડી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ પણ જણાવ્યું કે તેઓ ખૂબ મહેનત કરીને ખેતરોમાંથી શાકભાજી માર્કેટ સુધી લાવ્યા હતા, પરંતુ કાદવ અને કાંપના કારણે બધું જ બગડી ગયું.
ટકોલી ફોરલેન પર કાટમાળ: રસ્તો બંધ
ટકોલી વિસ્તારમાં કીરતપુર-મનાલી ફોરલેન પર એક નાળામાંથી અચાનક પાણી અને કાટમાળ રોડ પર આવી ગયો. જોતજોતામાં આખો રસ્તો બંધ થઈ ગયો. મોડી રાતથી સવાર સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. સેંકડો મુસાફરો ફસાયા હતા. પોલીસ અને NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ની ટીમે આખી રાત જેસીબી લગાવીને કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો.
આ ઉપરાંત ઉપર પહાડો પર થયેલા ભારે વરસાદને કારણે મોટી માત્રામાં કાટમાળ ધોવાઈને હાઈવે સુધી પહોંચી ગયો છે, જેના કારણે ઘણા ઘરોમાં અને રસ્તાઓ પર પાણી અને કાટમાળ ફરી વળ્યો હતો અને ઘણા વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
ભારે વરસાદના કારણે ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ
વરસાદના કાટમાળના કારણે ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. તેમજ હાઈવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. જેના કારણે પણ રસ્તાઓ બંધ છે. અચાનક પૂર આવવાના કારણે પનારસા, ટકોલી અને નગવાઈમાં ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્રની ટીમોએ તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.