Mann Ki Baat PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના તાજેતરના એપિસોડમાં દેશવાસીઓ સાથે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પર ખુશી શેર કરી. આ દરમિયાન, તેમણે યુનેસ્કોની યાદીમાં દેશના ૧૨ મરાઠા કિલ્લાઓનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે દેશના ૧૨ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાઓને યુનેસ્કોની ‘વર્લ્ડ હેરિટેજ ટેન્ટેટિવ લિસ્ટ’માં સામેલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિને ભારતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા તરફ એક મોટું પગલું ગણાવ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વારસાઓ માત્ર મહારાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. તેમણે તમામ નાગરિકોને તેમના સાંસ્કૃતિક વારસાને જાણવા, સમજવા અને જાળવવામાં યોગદાન આપવા અપીલ કરી. મોદીજીએ એમ પણ કહ્યું કે આ વારસા સ્થળોને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળવાની અપેક્ષા છે, જે પર્યટનને વેગ આપશે અને સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પૂરી પાડશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે મહારાષ્ટ્રના લોકોને ખાસ અભિનંદન આપ્યા. આ જાહેરાત માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે કારણ કે તે વૈશ્વિક પ્લેટફોર્મ પર આપણા ઐતિહાસિક વારસાને માન્યતા આપી રહી છે.

