મુંબઈ, તા. 25 : મુંબઈ, પુણે, રાયગઢમાં બુધવાર રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકાર બની ગયું છે. નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેની ભારે અસર વાહન વ્યવહાર ઉપર જોવા મળી હતી. રસ્તા ઉપર ઠેર ઠેર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો મધ્ય, હાર્બર રેલવે અને પશ્ચિમ રેલવે ગુરુવારે દિવસભર સમયપત્રકથી 15થી 30 મિનિટ મોડી દોડી હતી. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં પડી રહેલા વરસાદે જૂલાઇ મહિનામાં પડતા વરસાદના ગત તમામ રેકોર્ડ તોડી નાખતાં 1500 મિ.મી. વરસાદ ખાબકી ચૂક્યો છે. પુણેમાં પણ 24 કલાકમાં 547 મિ.મી. વરસાદથી ચોમેર જળબંબાકાર સર્જાતાં જનજીવનને પારાવાર પરેશાની વેઠવી પડી હતી. ડઝનથી વધુ ફલાઇટો રદ કરાઇ છે અને કેટલીકને અન્યત્ર ડાયવર્ટ કરી દેવામાં આવી છે.

રસ્તાઓ ઉપરથી પાણીને કાઢવાનું અને ઉલેચવાનુ તેમજ ખાલી કરવાનુ કામ મુંબઈ પાલિકાના કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનના સહયોગથી કરી રહ્યા હતા. નીચાણવાળા વિસ્તારો, ઘાટકોપર, કુર્લા સહિત તમામ વોર્ડમાં 255 પંપ ગોઠવી દેવાયા છે. મુંબઈમાં ભારે વરસાદની સ્થિતીને જોતાં કેટલીક શાળાઓને ગુરુવારે બંધ રાખવામાં આવી હતી અને શુક્રવારે સવારે 8.30 વાગ્યા સુધી રેડ એલર્ટ જારી કરાયુ હતુ. મુંબઇ-પુણે એકસપ્રેસ વે તેમજ મુંબઈ પુણે એકસપ્રેસ ટ્રેનોને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઇ હતી. દરમિયાન સાંજે ધસારાના સમયે કેટલીક ટ્રેનો રદ થયા બાદ પશ્ચિમ અને મધ્ય રેલવેમાંના ટર્મિનલ સ્ટેશનો ઉપર ભારે ભીડ જોવા મળી હતી. હવામાન તંત્રએ મુંબઈમાં રેડ એલર્ટ જારી કર્યાં હતાં. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહત બચાવકાર્ય માટે સતર્ક રહેવા આદેશ આપ્યો હતો. દાદર, માટુંગા, કિંગ્સ સર્કલ, લાલબાગ, અંધેરી, કાંદિવલી, બોરિવલી, મુલુંડ, કુર્લામાં પાણી ભરાતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પાલિકાએ આગામી ત્રણ દિવસ તમામ નાગરિકોને વિનંતી કરી છે કે પ્રશાસનના નિર્દેશોનું પાલન કરે, સતર્ક રહો અને ઘરની અંદર રહો.
આ ઉપરાંત અંધેરીમાં 157.0 મિમી, પવઇમાં 155.0 મિમી, દિંડોશીમાં 154.0 મિમી, સાંતાક્રુઝમાં 151.4 મિમી, બીકેસીમાં 139.4 મિમી, સાયનમાં 105.8 મિમી, વિક્રોલીમાં 143.4 મિમી, કાંદિવલીમાં 147.8 મિમી અને એન વોર્ડમાં 152.9 મિમી વરસાદની (ગુરુવારે સવારે ચાર વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી)નોંધ થઇ છે. મુંબઈ, પુણે, રાયગઢ પરિસરમાં અતિવૃષ્ટિનું વાતાવરણ છે. પૂણેમાં 547 મિમી કરતા વધુનો વરસાદ પડયા બાદ ખડકવાસલા ડેમ, લોનાવલાનો ભૂશી ડેમ તેમજ પુણેની આસપાસની તમામ નદીઓ ઉફાન પર છે. હાલ પુણેના નીચાણ વિસ્તારોમાંથી અનેક જણને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવાયા છે. પુણેમાં ઠેકઠેકાણે પાણી ભરાયા બાદ શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ છે. ગુરુવારે આખો દિવસ પડેલા વરસાદ બાદ શુક્રવારે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ હતી. એનડીઆરએફ તેમજ ભારતીય આર્મીને પુણેમાં તહેનાત કરાઇ છે. પાણીનું જળસ્તર વધી ગયા બાદ પુણે શહેરમાં પણ પૂરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ગત રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ વરસાદમાં પુણે શહેરમાં કરંટને કારણે ચાર જણનાં મૃત્યુની નોંધ થઇ છે. પુણેમાં પૂરની સ્થિતીને જોયા બાદ નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે મંત્રાલયમાંના નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી હતી અને સ્થિતી જોયા બાદ પુણેના સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા હતા.

