જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા જેવું છે
નવી દિલ્હી, 31 જુલાઇ. કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન અને સ્વાસ્થ્ય વીમા યોજનાની ચુકવણી પર GST હટાવવાની વિનંતી કરી છે.

નિતિન ગડકરીએ આ પત્ર નિર્મલા સીતારમણને નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન તરફથી મળેલા મેમોરેન્ડમ પર લખ્યો છે.
તેમના પત્રમાં ગડકરીએ લખ્યું છે કે જીવન વીમા અને તબીબી વીમા પ્રિમિયમ બંને પર 18 ટકાનો GST દર લાગે છે. જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર કર લાદવા સમાન છે. તેમણે કહ્યું કે લાઈફ ઈન્સ્યોરન્સ એસોસિએશન માને છે કે વ્યક્તિ પરિવારને થોડી સુરક્ષા પૂરી પાડવા માટે વીમો ખરીદે છે. કુટુંબને જોખમથી બચાવવા માટે કવર ખરીદવા માટેના પ્રીમિયમ પર ટેક્સ લાગવો જોઈએ નહીં. તેવી જ રીતે, તબીબી વીમા પ્રીમિયમ પર 18 ટકા GST એ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે, જે સામાજિક રીતે જરૂરી છે.

