NFHS-6 Data Clarification: રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-6) ના રિપોર્ટ (ફેક્ટ શીટ) માંથી કેટલાક મહત્વપૂર્ણ સૂચકાંકો ‘ગાયબ’ હોવાને લઈને ચિંતાઓ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા જાહેર કરી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, હાલમાં જ જાહેર થયેલા NFHS-6 રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ સૂચકાંકો, જેમ કે સ્વચ્છ ઈંધણ, સ્વચ્છતા અને એનિમિયા વગેરેને સામેલ ન કરવા પર સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ કેન્દ્ર સરકારની ઘણી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સૂચકાંકોના આધારે ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત મિશન જેવી સરકારી યોજનાઓના પ્રભાવનું આકલન કરવામાં આવતું રહ્યું છે.
આના જવાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું છે કે ગત દિવસોમાં જાહેર થયેલી NFHS-6 ની ફેક્ટ શીટ સંપૂર્ણ રિપોર્ટ નથી. તેને રિપોર્ટનું માત્ર શરૂઆતનું ચરણ માનવું જોઈએ.
એનિમિયા ડેટા પર મંત્રાલયની સ્પષ્ટતા
એનિમિયાના ડેટાને સામેલ ન કરવા પર મંત્રાલયે કહ્યું કે ગત સર્વેક્ષણોમાં ઉપયોગમાં લેવાયેલી કેપિલરી બ્લડ સેમ્પલિંગ ટેકનિકની સચોટતાને લઈને ચિંતાઓ હતી, તેથી આમાં લોહી (હિમોગ્લોબિન) ની તપાસ સામેલ કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું કે હવે એનિમિયાના અનુમાનોને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયટ અને બાયોમાર્કર સર્વેમાં સામેલ કરવામાં આવશે. આ સર્વેમાં ‘વેન્સ બ્લડ સેમ્પલ’ (નસમાંથી લીધેલા લોહીના નમૂના) નો ઉપયોગ થાય છે અને આશા છે કે તેના પરિણામો વધારે સચોટ હશે.
ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી આ સ્પષ્ટતા એવા સમયે સામે આવી છે જ્યારે NFHS-6 ફેક્ટ શીટમાંથી આ મહત્વના સૂચકાંકોના ગાયબ હોવાની ખબરો બાદ સરકારને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલૂમ હોય કે આ રિપોર્ટમાં સ્વાસ્થ્ય, પોષણ અને જનસંખ્યા સાથે જોડાયેલા ૧૦૧ મહત્વના પેરામીટર સામેલ હોય છે. આવા સમયે અધિકારીઓએ તે આરોપોને નકારી કાઢ્યા કે NFHS-6 માંથી મહત્વના સૂચકાંકો હટાવી દેવામાં આવ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે ફેક્ટ શીટ ડેટા જાહેર કરવાનું માત્ર પહેલું ચરણ છે, ન કે NFHS-6 નો અંતિમ રિપોર્ટ. અખબાર અનુસાર, તેમણે આગળ કહ્યું કે બાદમાં જાહેર થનારા વિસ્તૃત રાષ્ટ્રીય રિપોર્ટમાં વધારાના સૂચકાંકો, વિશ્લેષણ અને કાર્યપ્રણાલી સાથે જોડાયેલી માહિતી સામેલ હશે.
સર્વેક્ષણનું મહત્વ અને ગાયબ સૂચકાંકો
નોંધનીય છે કે NFHS- જે દેશનો સૌથી મોટો હેલ્થ સર્વે છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની દેખરેખમાં ‘ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સીસ’ (IIPS) દ્વારા કરવામાં આવે છે. NFHS-6 સર્વે ૨૦૨૩-૨૪ માં અને NFHS-5 સર્વે ૨૦૧૯-૨૧ માં કરવામાં આવ્યો હતો. NFHS-6 ની ફેક્ટશીટ ૨૯ મે, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવી હતી.
માલૂમ હોય કે આ પહેલા ધ વાયરે રિપોર્ટ કર્યો હતો કે NFHS-6 માં કેટલાક મહત્વના સૂચકાંકો સામેલ નથી, જેનાથી નરેન્દ્ર મોદી સરકારની ઓછામાં ઓછી બે મુખ્ય યોજનાઓના પ્રદર્શનનો ખ્યાલ આવી શક્યો હોત. ગાયબ સૂચકાંકોમાંનો એક ખાવાનું રાંધવા માટે સ્વચ્છ ઈંધણની ઉપલબ્ધતા સાથે જોડાયેલો છે, જેનો ડેટા જાહેર થયેલી રિપોર્ટમાં સામેલ નથી. આ ઉપરાંત જન્મ સમયે લિંગાનુપાત અને શિશુ તેમજ બાળ મૃત્યુદરના આંકડા પણ ગાયબ છે. જોકે, સરકારના ડેટા એકત્રિત કરવાની બીજી પદ્ધતિઓમાં આ બંને બાબતો દેખાય છે.

