Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં આતંકવાદ વિરૂદ્ધ રોષ ફેલાયો હતો. ભારતે પણ આતંકવાદીઓનો સફાયો કરવાનું પ્રણ લેતાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના 9 ઠેકાણાં નષ્ટ કરવામાં આવ્યા હતાં. 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.
23 મિનિટ સુધી જામ કરી હતી સિસ્ટમ
આ ઓપરેશનની ખાસિયત એ છે કે, ભારતીય વાયુસેનાએ માત્ર 23 મિનિટ સુધી પાકિસ્તાનની ચીન નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. પાકિસ્તાનના નૂર ખાન અને રહીમ યાર ખાન જેવા ટોચના પાકિસ્તાની એરબેઝને ટાર્ગેટ કર્યા હતાં. લૉઈટરિંગ મ્યુનિશન અર્થાત આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી દુશ્મનના રડાર, મિસાઈલ સિસ્ટમ અને હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ધ્વસ્ત કર્યા હતાં.
લૉઈટરિંગ મ્યુનિશનથી ટાર્ગેટ કર્યા
લૉઈટરિંગ મ્યુનિશન જેવી હથિયાર પ્રણાલીઓ જે અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV) મિસાઈલ છે. જે નિશ્ચિત ટાર્ગેટની આસપાસ ફરી તેની ખાતરી કર્યા બાદ હુમલો કરે છે. આ આત્મઘાતી ડ્રોનની મદદથી દુશ્મનના રડાર, મિસાઈલ સિસ્ટમ અને હાઈ વેલ્યૂ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા છે.
આ પાંચ મુદ્દામાં સમજો આખું ઓપરેશન સિંદૂર
સરકારે ગઈકાલે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરથી ભારતીય પ્રણાલીઓ દ્વારા દુશ્મનના હથિયારોને નિષ્ફળ કર્યા હોવાના મજબૂત પુરાવા મળ્યા છે.
એક ચાઈનીઝ મૂળ પીએલ-15 હવાથી હવામાં હુમલો કરતી મિસાઈલના ટુકડાંઓ મળી આવ્યા છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલના ટુકડાઓ સેનાએ એકઠા કર્યા છે. જે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો ઠોસ પુરાવો છે.
પાકિસ્તાની સેનાએ તૂર્કિયે મૂળનું યુવી ‘યિહા’ (યીહો) કામિકેજ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાને અસીસગાર્ડ સોંગર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. આ સિસ્ટમ રિયલ ટાઈમમાં વીડિયો પ્રસારિત કરી શકે છે. પાંચ કિમી સુધીના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. જેના પરથી જણવા મળે છે કે, પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદની અત્યંત નજીકના વિસ્તારોમાંથી છોડવામાં આવ્યા હતાં.
અનેક પ્રકારના રૉકેટ, ક્વાડકોપ્ટર, અને કોમર્શિયલ ડ્રોન પણ જપ્ત કર્યા છે. આ ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા થઈ રહ્યો છે. વિદેશોમાંથી પ્રાપ્ત ઉન્નત હથિયારોની મદદથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હોવા છતાં ભારતીય વાયુ સેના અને ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમે તમામને નિષ્ફળ બનાવ્યા હતાં.
તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ કરવામાં આવતાં ભારતને કોઈ મોટુ નુકસાન થયુ નથી. સરકારે જણાવ્યું હતું કે, આપણી સેનાની રણનીતિ, મોનિટરિંગ અને હથિયાર પ્રણાલીની તાકાતથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. લોંગ રેન્જ ડ્રોનથી માંડી ગાઈડેડ મ્યુનિશન સુધી ભારતે સૈન્ય આત્મનિર્ભરતાની એક નવુ ઉત્કૃષ્ટ છાપ ઉભી કરે છે.