President Murmu Raises 14 Question to SC: રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરવાના નિર્ણય પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સવાલ કર્યો છે. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, જેના પર રાષ્ટ્રપતિ મૂર્મુએ પ્રતિક્રિયા આપતા 14 પ્રશ્ન કર્યા છે. દ્રૌપદી મૂર્મુએ આ નિર્ણયને બંધારણના મૂલ્યો અને વ્યવસ્થાની વિરૂદ્ધ હોવાનું જણાવ્યું. આ સાથે જ બંધારણીય મર્યાદાનું અતિક્રમણ પણ કહ્યું. રાષ્ટ્રપતિ મૂર્મુએ હવે બંધારણના અનુચ્છેદ 143(1) હેઠળ સુપ્રીમ કોર્ટને 14 બંધારણીય પ્રશ્નો પૂછ્યા છે.
રાષ્ટ્રપતિએ આ 14 પ્રશ્ન પર માંગ્યુ સુપ્રીમ કોર્ટનું મંતવ્ય
જ્યારે રાજ્યપાલ સામે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ કોઈ બિલ રજૂ કરવામાં આવે છે, તો તેમની સામે બંધારણીય વિકલ્પ શું હોય છે?
શું રાજ્યપાલ ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ કોઈ બિલને રજૂ કર્યા બાદ તેના પર ઉપલબ્ધ તમામ વિકલ્પોનો પ્રયોગ કરતા સમયે મંત્રીપરિષદ દ્વારા આપવામાં આવેલી સહાયતા અને સલાહ અનુસરવા બંધાયેલા છે?
શું રાજ્યપાલ દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
શું ભારતના બંધારણનો અનુચ્છેદ 361 ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલના કાર્ય સંબંધિત ન્યાયિક સમીક્ષા પર પૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રાજ્યપાલ દ્વારા સત્તાના ઉપયોગની રીતની ગેરહાજરીમાં, શું ભારતના બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા સમય મર્યાદા લાદી શકાય છે અને તમામ સત્તાના ઉપયોગની રીત ન્યાયિક આદેશો દ્વારા નિર્ધારિત કરી શકાય છે?
શું ભારતના બંધારણના અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
બંધારણીય રૂપે નિર્ધારિત સમય મર્યાદા અને રાષ્ટ્રપતિ દ્વારા શક્તિના પ્રયોગની રીતના અભાવમાં શું ભારત બંધારણના અનુચ્છેદ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમયમર્યાદા લગાવી શકાય અને ઉપયોગની રીત નક્કી કરી શકાય?
રાષ્ટ્રપતિની શક્તિને નિયંત્રિત કરનારી બંધારણીય યોજનાના પ્રકાશમાં શું રાષ્ટ્રપતિને ભારતના બંધારણના અનુચ્છેદ 143 હેઠળ સંદર્ભના માધ્યમથી સુપ્રીમ કોર્ટની સલાહ લેવા અને રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિની સંમતિ માટે બિલને સુરક્ષિત રાખવા અથવા સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની જરૂર છે?
શું ભારતના બંધારણના અનુચ્છેદ 200 અને અનુચ્છેદ 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણયો કાયદા ઘડ્યા પહેલાના તબક્કે ન્યાયી છે? શું બિલ કાયદો બને તે પહેલાં તેના વિષય-વસ્તુ પર ન્યાયિક નિર્ણય લેવો સ્વીકાર્ય છે?
શું ભારતના બંધારણના અનુચ્છેદ 142 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલની બંધારણીય સત્તાઓ અને આદેશોનો ઉપયોગ કોઈપણ રીતે બદલી શકાય છે?
શું રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલો કાયદો ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની સંમતિ વિના લાગુ કરી શકાય તેવો કાયદો છે?
ભારતના બંધારણના અનુચ્છેદ 145(3)ની જોગવાઈને ધ્યાને લઈને, શું માનનીય ન્યાયાલયની કોઈપણ ખંડપીઠ માટે એ જરૂરી નથી કે, તે પહેલાં નક્કી કરે કે, તેમની સામે કાર્યવાહીમાં સામેલ પ્રશ્ન એવી પ્રકૃતિનો છે જેમાં બંધારણની વ્યાખ્યાના રૂપે કાયદાના મહત્ત્વપૂર્ણ પ્રશ્ન સામેલ છે અને તેમાં ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશો નિર્ધારિત કરે?
શું ભારતના બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની સત્તાઓ પ્રક્રિયાગત કાયદાની બાબતો સુધી મર્યાદિત છે કે ભારતના બંધારણની કલમ 142 એવા નિર્દેશો/આદેશો જારી કરવા સુધી વિસ્તરે છે જે બંધારણ અથવા અમલમાં રહેલા કાયદાની હાલની મૂળ અથવા પ્રક્રિયાગત જોગવાઈઓથી વિપરીત અથવા અસંગત છે?
શું ભારતના બંધારણના અનુચ્છેદ 131 હેઠળ કેસના માધ્યમથી દૂર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટને કોઈ અન્ય અધિકાર ક્ષેત્ર રોકે છે?
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે પોતાના મહત્ત્વના નિર્ણયમાં કહ્યું હતું કે, જો કોઈ બિલ લાંબા સમય સુધી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હોય, તો તેને ‘મંજૂરી પ્રાપ્ત’ માનવામાં આવશે. રાષ્ટ્રપતિએ આ નિર્ણય પર વાંધો ઉઠાવતા પૂછ્યું કે, જ્યારે દેશનું બંધારણ રાષ્ટ્રપતિને કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો વિવેકાધિકાર આપે છે, તો સુપ્રીમ કોર્ટ આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કેવી રીતે કરી શકે?