PM Modi West Asia Conflict Speech: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો હવે ભારત પર પણ દેખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આ બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ કોરોનાકાળ જેવી કસોટીની છે. તેમણે દેશવાસીઓને ધીરજ રાખી એકજૂથ થઈને લાંબો સમય લડવાની તૈયારી કરવા આહવાન કર્યું છે. પશ્ચિમ એશિયામાં વસતા એક કરોડ ભારતીયોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા છે અને આ વૈશ્વિક સંકટનો સામનો કરવા માટે ભારતે હવે ૨૭ને બદલે ૪૧ દેશોમાંથી તેલની આયાત શરૂ કરી છે.
ઇંધણ સંકટની અફવાઓ અને પેટ્રોલ પંપો પર ઉમટેલી ભીડ
વડાપ્રધાનના નિવેદન બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ સાવચેતીના ભાગરૂપે પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવી દીધી છે. ઇંધણ ઉપરાંત કરિયાણાની દુકાનો પર પણ જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સરકાર દ્વારા તેલ અને ગેસના સંકટને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં, જનતામાં એક પ્રકારનો ફાળ ફેલાયો છે જે લાંબા ગાળાના આયોજનની જરૂરિયાત દર્શાવે છે.
ગુજરાતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં કાપની અસર
ક્રુડ ઓઈલના વૈશ્વિક સપ્લાયમાં આવેલા અવરોધોની સીધી અસર હવે ગુજરાતના મુખ્ય શહેરોમાં દેખાઈ રહી છે. સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ડીલરોને અપાતા સપ્લાયમાં અંદાજે ૫૦ ટકા જેટલો કાપ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો છે. સપ્લાય ખોરવાવાને કારણે કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ જોવા મળ્યા છે અને ઘણા પંપો કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓ સતત કામ કરી રહી છે.
વૈકલ્પિક ઉકેલો અને આત્મનિર્ભરતા પર સરકારનો ભાર
વડાપ્રધાને લોકસભામાં સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે, તેથી આપણે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. ભારતની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે સરકાર વૈકલ્પિક ઉકેલો અને નવા આયાત સ્ત્રોતો શોધી રહી છે. સંકટના આ સમયમાં સંગ્રહખોરી કે પેનિક બાયિંગ કરવાને બદલે સંયમ રાખવો જરૂરી છે. સરકારની પ્રાથમિકતા દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવાની અને સામાન્ય નાગરિકોને ઇંધણ તથા અન્ય પાયાની સુવિધાઓ અવિરત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની છે.

