નવી દિલ્હી, તા. 23 : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી તથા અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પરિણામો બાદ વડાપ્રધાન નરેદ્ર મોદીએ ટ્વિટ કરીને જનતા અને એનડીએના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. પીએમ મોદીએ આ પરિણામને વિકાસ અને સુશાનનની જીત જણાવતા કહ્યું કે, આ પરિણામ એનડીએની જનહિતકારી નીતિઓ પર જનતાનો વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીનો સંદેશ એકતાનો છે. અને `એક હૈ તો સેફ હૈ’ને સમર્થન પણ છે. તે દેશનો મંત્ર બની ગયો છે.
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં એનડીએના મહાયુતિ ગઠબંધને 200થી વધુ સીટો પર લીડ મેળવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને મહારાષ્ટ્રની જનતા, ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો ઐતિહાસિક જનાદેશ માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રગતિ માટે અમારું ગઠબંધન કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર! પીએમ મોદીએ ઝારખંડના લોકોનો આભાર માનતા ટ્વિટ કર્યું કે, `અમે હંમેશાં રાજ્યના લોકોની સમસ્યાઓને ઉઠાવવામાં અને તેમના માટે કામ કરવામાં અગ્રેસર રહીશું.` આ ઉપરાંત તેમણે હેમંત સોરેન અને તેમની પાર્ટીને તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ પેટાચૂંટણીમાં એનડીએના પ્રદર્શનને પણ જનતાનો વિશ્વાસ બતાવ્યો છે. તેમણે લખ્યું કે, એનડીએની જનહિતકારી નીતિઓ દેશભરમાં ગુંજી રહી છે. જનતાના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં.

