દામ્બુલા, તા. 19 : શ્રીલંકામાં રમાઇ રહેલા મહિલા એશિયા કપમાં પણ ભારતીય ટીમે પરંપરાગત હરીફ પાકિસ્તાનને સાત વિકેટે હરાવી દીધું છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા ભારતની મહિલા ટીમની જીત માટે 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 14.1 ઓવરમાં જ પાર પાડી દીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શરૂઆતમાં જ તાબડતોડ ઈનિંગ્સ રમીને પાકિસ્તાનને કોઈપણ તક આપી નહોતી. આ સાથે જ ભારતીય ટીમે એશિયા કપનો જીત સાથે આગાઝ કર્યો છે. પાકિસ્તાને જીત માટે આપેલા 109 રનનો પીછો કરતા ભારતીય ઓપનર શેફાલી વર્મા અને મંધાનાએ શરૂઆતમાં જ ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો અને રનરેટ વધારી દીધી હતી.

ટીમ 85 રનના કુલ સ્કોરે હતી ત્યારે સ્મૃતિ મંધાનાના રૂપમાં પહેલી વિકેટ પડી હતી. સ્મૃતિ 31 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 45 રન કરીને આઉટ થઈ હતી. બાદમાં 100ના સ્કોરે શેફાલી વર્મા આઉટ થઈ હતી. શેફાલીએ 29 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 40 રન કર્યા હતા. આ બન્નેએ ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી. આ ઉપરાંત હેમલતાએ 14 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી સૈયદા શાહે બે વિકેટ લીધી હતી. જ્યારે નાશરા સંઘુને એક વિકેટ મળી હતી. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જો કે ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ હતી. સાત ખેલાડીઓ બેવડા અંક સુધી પણ પહોંચી શકી નહોતી. તેમાં પણ ત્રણ તો શૂન્યમાં આઉટ થઈ હતી. 61 રનના કુલ સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. તેમાં પણ પાકિસ્તાને 18મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. દીપ્તિ શર્માએ પહેલા બોલે તૂબાને પેવેલિયન પરત મોકલી હતી. ચોથા બોલે સૈયદા અરુબ શાહ રન આઉટ થઈ હતી. જ્યારે નશરા સંઘૂ અંતિમ બોલે કેચઆઉટ થઈ હતી. પાકિસ્તાન તરફથી સીદરા અમીને સૌથી વધારે 25 રન કર્યા હતા. આ ઉપરાંત તૂબા હસન અને ફાતિમા સનાએ 22-22 રન કર્યા હતા. મુનીબા અલીએ 11 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રેણુકા સિંહ અને પૂજા વત્રાકર અને શ્રેયંકા પાટિલે બે બે વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્માને ત્રણ વિકેટ મળી હતી.

