રૂા. 1814 કરોડનું ડ્રગ્સ ભોપાલ પાસેથી ઝડપાયું

Reena Brahmbhatt
3 Min Read

અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), દિલ્હી સાથેના સંયુક્ત ઓપરેશનમાં મધ્યપ્રદેશના ભોપાલના બગરોડા ઔદ્યોગિક વિસ્તારમાં એક ઉત્પાદન સુવિધામાંથી 907 કિલો મેફેડ્રોન એમડી જપ્ત કર્યું હતું. ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા નાર્કોટિકની અંદાજિત કિંમત અંદાજે રૂા. 1814.18 કરોડ છે. આ ઓપરેશનને એટીએસ ગુજરાત દ્વારા પર્દાફાશ કરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદેસર મેફેડ્રોન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવી છે. આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી માહિતી આપી છે અને ગુજરાત એટીએસ અને એનસીબીની કામગીરીને બિરદાવી છે.

drugs

- Advertisement -

આ ઓપરેશનમાં બે મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઓળખ અમિત પ્રકાશચંદ્ર ચતુર્વેદી (57 વર્ષ) અને સાન્યાલ પ્રકાશ બાને (40) તરીકે થઈ છે. બંને પ્રતિબંધિત પદાર્થના ગેરકાયદે ઉત્પાદન અને વિતરણમાં કથિત રીતે સામેલ હતા. ચતુર્વેદી ભોપાલના કોટરા સુલ્તાનાબાદ રોડનો રહેવાસી છે, જ્યારે બાને મહારાષ્ટ્રના નાસિકનો રહેવાસી છે. આ દરોડાની આગેવાની લેનારા નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસએ ભોપાલમાં એક ઔદ્યોગિક સુવિધામાંથી સંચાલિત મોટા ડ્રગ પ્રોડક્શન કૌભાંડ વિશેની ગુપ્ત માહિતી પ્રાપ્ત કર્યા પછી, અૉક્ટોબર 5ના રેડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગુપ્તચર બાતમીએ દર્શાવ્યું હતું કે કાનૂની ઉત્પાદન એકમની આડમાં માદક દ્રવ્ય એમડીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

આના આધારે, એટીએસ અને એનસીબીએ આ ઓપરેશનનો પર્દાફાશ કરવા અને તેને તોડી પાડવા માટે સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમિત ચતુર્વેદી અને સાન્યાલ પ્રકાશ બાને નામના ઈસમો એકબીજાના મેળાપીપણામાં ભોપાલની બહાર સ્થિત બાગરોડા ઔદ્યોગિક વસાહતમાં ભાડાના શેડમાંથી કથિત રીતે ગેરકાયદેસર ડ્રગ ઓપરેશન ચલાવતા હતા. દરોડા દરમિયાન માદક પદાર્થ મેફેડ્રોન (એમડી) બનાવવા માટેની પ્રોસેસ ચાલુમાં હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

જે સર્ચ દરમ્યાન સોલિડ અને લિક્વિડ બંને સ્વરૂપમાં 907.09 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું, આ ઉપરાંત રેડ દરમિયાન 400 કિલોગ્રામ 2 બ્રોમો 4 મીથાઇલ પ્રોપીયોફીનોન, 1800 કેજી મોનો મીથાઇલ એમાઇન, 1000 કેજી એસીટોન, 800 કેજી ટોલ્યુઇન, 800 કેજી એચ.સી.એલ. તથા અન્ય રો-મટેરીયલ અને મેફેડ્રોન (એમડી) ઉત્પાદન માટે ઉપયોગમાં લીધેલ ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર અને ડ્રગના ઉત્પાદન માટે જરૂરી અન્ય ઉપકરણો મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો.આમ, આશરે 2,500 ચોરસ ફૂટના શેડનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતા ધરાવતા ઉત્પાદન એકમ તરીકે થતો હતો જે દરરોજ લગભગ 25 કિલો મેફેડ્રોનનું ઉત્પાદન કરી શકે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Share This Article