Teacher’s Day 2026 PM Modi: પીએમ મોદીએ 48 શિક્ષકો સાથે કરી વાતચીત, વિદ્યાર્થીઓ માટે આપી 6 મહત્વની સલાહ

Arati Parmar
5 Min Read

Teacher’s Day 2026 PM Modi: સ્ક્રીન ટાઇમ, બાળપણ અને વિદ્યાર્થીઓની પ્રતિભા અંગે પીએમ મોદીની 6 મોટી વાતો

Teacher’s Day 2026 PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના અવસરે નેશનલ ટીચર્સ ડે અવોર્ડ મેળવનારા 48 શિક્ષકો સાથે વાતચીત કરી. શિક્ષકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખવા, પુસ્તકો-સિલેબસથી આગળ વધીને વિદ્યાર્થીઓને સમજવા, બાળપણને જાળવી રાખવા, ડિજિટલ સ્ક્રીનની લત પર નિયંત્રણ વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ, નેશનલ અવોર્ડ મેળવનારી એક શિક્ષિકા પાસેથી પોતાની પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ સુધારવા માટે સૂચનો પણ માંગ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટીચર્સ ડેના અવસરે પોતાના નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ પર નેશનલ ટીચર્સ અવોર્ડ મેળવનારા શિક્ષકો સાથે વાતચીત કરી. પીએમ મોદીએ સમાજમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો અને પૂર્વ રાષ્ટ્રપતિ તથા શિક્ષણવિદ્ ડૉ. એસ. રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી, જેમની જન્મજયંતી ટીચર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

- Advertisement -

પીએમ મોદીએ ટીચર પાસેથી પબ્લિક સ્પીકિંગ અંગે સૂચન માંગ્યું

એક કેમિસ્ટ્રી ટીચરે જણાવ્યું કે તેઓ પોતાનો વિષય ભણાવવાની સાથે બાળકોને એન્વાયરમેન્ટ એજ્યુકેશન, પબ્લિક સ્પીકિંગમાં આત્મવિશ્વાસ સાથે સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ મંચ પર રજૂ થવા માટે તૈયાર કરે છે. પીએમ મોદીએ એક શિક્ષિકાને પૂછ્યું, ‘જો હું તમારો સ્ટુડન્ટ હોત અને એક કુશળ વક્તા બનવા માગતો હોત, તો તમે મને શું સૂચન આપશો? મારે શું કરવું જોઈએ?’

- Advertisement -

આ અંગે એક શિક્ષિકાએ જવાબ આપ્યો, ‘સૌથી પહેલાં, તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ… આત્મવિશ્વાસ ખૂબ અભ્યાસથી આવે છે. તમારું વ્યક્તિત્વ જોઈને હું પોતે થોડી ગભરાઈ ગઈ હતી…’ પીએમ મોદીના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર શિક્ષકો સાથેની વાતચીતનો 5 મિનિટનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

ટીચર્સ સાથે પીએમ મોદીની 6 મોટી વાતો

નેશનલ અવોર્ડ મેળવનારા 48 શિક્ષકો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને 6 મહત્વપૂર્ણ વાતો કહી છે.

- Advertisement -
  1. વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખો: પીએમ મોદીએ ટીચર્સને કહ્યું કે દરેક સ્ટુડન્ટમાં છુપાયેલી અલગ પ્રતિભા, ક્ષમતા અને પડકારોને ઓળખીને તેમનું માર્ગદર્શન કરવું જોઈએ.
  2. પુસ્તકો-સિલેબસથી આગળ વધો: તેમણે ટીચર્સને આગ્રહ કર્યો કે તેઓ માત્ર પુસ્તકો અને સિલેબસ સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓના જીવન અને તેમના વિચારો સાથે ઊંડાણપૂર્વક જોડાય. તેમણે કહ્યું, ‘આપણે પુસ્તકોની બહાર નીકળવું પડશે, આપણે સિલેબસની બહાર નીકળવું પડશે, આપણે બાળકોના જીવનમાં સામેલ થવું પડશે.’
  3. ડિજિટલ સ્ક્રીનની લત પર નિયંત્રણ: પીએમ મોદીએ બાળકોમાં વધતા સ્ક્રીન ટાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘સ્ક્રીન ટાઇમ હવે એક પ્રકારની લત બની ગયો છે.’ તેમણે સૂચન કર્યું કે રમતોમાં વધુ ભાગીદારી બાળકોને ધીમે ધીમે સ્ક્રીનના વધુ ઉપયોગથી દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રમતોનો અર્થ મેદાનમાં વાસ્તવિક રમતો રમવાનો છે, વીડિયો ગેમ્સનો નહીં. તેમણે બાળકોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કરવા અને આવા કાર્યક્રમોને તેમના જીવનનો નિયમિત હિસ્સો બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.
  4. બાળપણ અને નિર્દોષતા જાળવી રાખો: પીએમ મોદીએ કહ્યું કે બાળપણની રચનાત્મકતાને જીવંત રાખવામાં શિક્ષકોની સૌથી મોટી ભૂમિકા હોય છે. તેમણે કહ્યું, ‘બાળપણને સમાપ્ત થવા દેવું જોઈએ નહીં. અને બાળપણને જાળવી રાખવાનું સૌથી મોટું કામ શિક્ષકો જ કરી શકે છે.’
  5. ડ્રગ્સનો ઉપયોગ: પીએમ મોદીએ યુવાનોમાં ડ્રગ્સના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓના વર્તનમાં થતા ફેરફારો અંગે સતર્ક રહેવા શિક્ષકોને જણાવ્યું. તેમણે યુવાનોમાં વધી રહેલી નશીલા પદાર્થોની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા શિક્ષકોને વિદ્યાર્થીઓના વર્તનમાં થતા ફેરફારો પર નજર રાખવાની સલાહ આપી.
  6. પોતાનો અનુભવ શેર કરો: નેશનલ અવોર્ડ મેળવનારા ટીચર્સને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના નવાચાર તથા બેસ્ટ પ્રેક્ટિસ શેર કરવા માટે પ્રોત્સાહિત કર્યા.

પ્રધાનમંત્રી સાથેની વાતચીત દરમિયાન શિક્ષકોએ પ્રથમ પેઢીના શીખનારાઓ, એટલે કે જેમના પરિવારમાં અન્ય કોઈ ભણેલું નથી, તેમને એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સપનું જોવામાં મદદ કરવા અંગે વાત કરી. અન્ય અવોર્ડ મેળવનારાઓએ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ, સ્વચ્છતા અને બાળકોમાં સ્ક્રીન ટાઇમ ઘટાડવા જેવા મુદ્દાઓ પર પોતાના કાર્ય વિશે જણાવ્યું.

Share This Article