નવી દિલ્હી, તા. 17 : રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ સોમવારે જણાવ્યું હતું કે, અમે અમારાં પાઠય પુસ્તકોમાં ભારત અને ઈન્ડિયા બન્ને લખશું. જે બંધારણ કહેશે, તે જ અમે માનીશું. કયો શબ્દ લખવો, તેની દલીલ વ્યર્થ છે. પુસ્તકોમાં કયાંક ભારત તો કયાંક ઈન્ડિયા લખાશે, તેવું એનસીઇઆરટીના પ્રમુખ દિનેશ પ્રસાદ સકલાણીએ એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. આ નિવેદન મહત્વ ધરાવે છે કારણ કે, થોડાક મહિના પહેલાં સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમ પર કામ કરી રહેલી એક ઉચ્ચ સ્તરિય સમિતિએ ઈન્ડિયાનાં સ્થાને ભારત લખવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

શ્રી સકલાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ બન્ને શબ્દો પ્રત્યે કોઇને પસંદ નહીં હોવાની વાત કયાંય આવી નથી. અમે અત્યારે પણ લખી જ રહ્યા છીએ. એનસીઇઆરટી દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ પોતાના અભ્યાસક્રમમાં બદલાવ માટે રચેલી એક સમિતિના અધ્યક્ષ સી.આઇ. આઇઝેકે અગાઉ કહ્યું હતું કે, ભારત શબ્દોનો ઉલ્લેખ સાત હજાર વર્ષ જૂના ગ્રંથો, પુરાણોમાં છે. ઈન્ડિયા શબ્દ સામાન્ય રીતે ઇસ્ટ ઈન્ડિયાના સમયમાં આવ્યો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ મૂકયો હતો કે, એનસીઆઇઆરટી 2014થી સંઘ સાથે જોડાયેલાં સંસ્થાનની જેમ કામ કરે છે.

