કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાઇ ગયેલા પાણીમાં ડૂબી જવાથી યુપીએસસીના ત્રણ છાત્રનાં મોતથી બબાલ

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 28 : રાજધાનીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં ભારે વરસાદથી રાવ આઇએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ભરાઇ ગયેલા પાણીમાં ડૂબી જવાથી ત્રણ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીનાં મોત થઇ ગયાં હતાં. આ કરુણ ઘટનાથી રાજકીય ઘમસાણ વચ્ચે કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને કો-ઓર્ડિનેટર (સંયોજક) દેશપાલ સિંહની ધરપકડ કરી લેવાઇ હતી. મૃતકોની ઓળખ યુપીની શ્રેયા યાદવ (રપ), કેરળનો નેવિન ડાલ્વિન (ર8) અને તેલંગણાની તાન્યા સોની (રપ) તરીકે થઈ છે.

istockphot

- Advertisement -

આશાસ્પદ સંતાનોના અકાળે મૃત્યુથી પરિવારજનો પર વજ્રઘાત થયો છે. કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં મંજૂરી વિરુદ્ધ બાંધકામ, લાઈબ્રેરી સહિત બેદરકારી સબબ માલિક અભિષેક ગુપ્તા અને કોઓર્ડિનેટર દેશપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. રોષિત છાત્રોએ બનાવના વિરોધમાં કરોલ બાગ મેટ્રો સ્ટેશન નીચે વિરોધ પ્રદર્શન, નારેબાજી કરી ચક્કાજામ સર્જયો હતો. રાજધાની દિલ્હીમાં શનિવાર સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો હતો દરમિયાન જૂના રાજેન્દ્રનગરના રાઉ આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરુ થયુ હતુ. મોડી સાંજે એનડીઆરએફની મદદ લેવાઈ અને પાણી ઉલેચવામાં આવતાં એક છાત્ર અને બે છાત્રાના મૃતદેહ મળી આવ્યા હતા. 7 ફૂટ પાણીમાંથી અન્ય 14ને સુરક્ષિત બહાર કઢાયા હતા.

ફાયર ફાઈટરો દોડી ગયા પરંતુ રસ્તાઓ ઉપર પાણી હોવાથી ઉલેચવામાં મુશ્કેલી થઈ હતી. બેઝમેન્ટમાં રહેલા ટૂ વ્હીલર સહિત વાહનો ડૂબી ગયા હતા. દિલ્હી પોલીસ, અગ્નિશમન દળ તેમજ એનડીઆરએફ જવાનોની ટીમો તરત દોડી ગઇ હતી. ગઇકાલે શનિવારે વીજળી ઠપ થતાં લાયબ્રેરીનો બાયોમેટ્રિક ગેટ બંધ થઇ જવાથી છાત્રો અંદર ફસાઇ ગયા હતા. માત્ર બે-ત્રણ મિનિટમાં આખા બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયું હતું. છાત્રોને બચાવવા દોરી પાણીમાં ફેંકાઇ હતી. 14 છાત્રોને બચાવી શકાય હતા. રોષે ભરાયેલા છાત્રોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીની સરકારના મંત્રી આતિશીએ મુખ્ય સચિવ નરેશકુમારને ઘટનાની તપાસ કરીને 24 કલાકમાં અહેવાલ સોંપવા નિર્દેશ આપ્યો હતો.

- Advertisement -

દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, આ દુર્ઘટના નથી, પરંતુ હત્યા છે. કોંગ્રેસે મામલાની સીબીઆઇ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બેજવાબદારીની કિંમત સામાન્ય નાગરિકો જીવ ખોઇને ચૂકવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલિવાલે આ ઘટનાને હત્યા લેખાવીને એફઆઇઆર નોંધવા સાથે જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

Share This Article