આ ચૂંટણીના પરિણામોએ એકતરફ કોંગ્રેસનો સફાયો કર્યો છે તો બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે માટે આ તે સમય હતો કે, જ્યાં જનતાની અદાલતમાં તે સાબિત કરવાનો મોકો હતો કે, અસલી શિવસેના તેઓ જ છે.પરંતુ આ મોકો તેઓ ચુકી ગયા અને સામે છેડે એકનાથ શિંદે અને અજિત પવારને બખ્ખા થઇ ગયા. સૌથી મોટી વાત એ છે કે હવે જનતાની અદાલતમાં નક્કી થઈ ગયું છે કે એકનાથ શિંદેની શિવસેના આ જ વાસ્તવિક શિવસેના છે. . અને અજિત પવારની NCP એ વાસ્તવિક NCP છે. ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રની જનતા કોની સાથે છે.ત્યારે અહીં મુદ્દો તે જ છે કે, આખરે કેમ આવું બન્યું ? કેમ બાલા સાહેબની છબીને નુકસાન પહોંચ્યું ?
શિંદે જૂથની શિવસેના 81 બેઠકો પર લડી હતી અને 55 બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના ઉદ્ધવ 95 બેઠકો પર ચૂંટણી લડવા છતાં માત્ર 21 બેઠકો જ જીતી શકી હતી.
એનસીપીની પણ આવી જ સ્થિતિ છે. અજિત પવારની એનસીપીએ 59 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 41 બેઠકો જીતી હતી. શરદ પવારની એનસીપી 86 બેઠકો પર લડવા છતાં માત્ર 10 બેઠકો જીતી શકી હતી. એટલે કે જનતાએ કહી દીધું કે તેઓ કોને અસલી શિવસેના માને છે અને કોને અસલી એનસીપી માને છે.
પરંતુ સૌથી ખરાબ સ્થિતિ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની થઈ છે…જેનું વિભાજન અને બાળાસાહેબ ઠાકરેની વિચારધારાથી અલગ થવું મોંઘુ સાબિત થયું છે. આ પણ સમજવું જરૂરી છે.
1987ની વાત છે. મુંબઈની વિલે પાર્લેની પેટાચૂંટણીમાં બાળ ઠાકરેએ એક સભામાં કહ્યું હતું કે, ‘અમે આ ચૂંટણી હિન્દુઓની સુરક્ષા માટે લડી રહ્યા છીએ. અમને મુસ્લિમ મતોની પરવા નથી. આ દેશ હિન્દુઓનો છે અને તેમનો જ રહેશે.
બાળ ઠાકરેનું હિન્દુત્વ અલગ હતું
એક સમય એવો હતો જ્યારે બાળ ઠાકરેએ મુસ્લિમો પાસેથી મતદાનનો અધિકાર પાછો ખેંચવાની વાત કરી હતી. આ બાળ ઠાકરેનું હિન્દુત્વ હતું. ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વનો એજન્ડા વારસામાં મળ્યો હતો, જે તેમણે મુખ્યમંત્રી પદ માટે પોતાના હાથે છોડી દીધો હતો.
ઉદ્ધવ ઠાકરેએ સૌથી પહેલા કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા, જેના વિશે બાળ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ક્યારેય કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ નહીં મિલાવે. આટલું જ નહીં, ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમોના મત મેળવવા માટે પોતાને હિન્દુત્વથી દૂર કર્યા. જ્યારે બાળ ઠાકરે હંમેશા કહેતા હતા કે તેમને મુસ્લિમોના મત નથી જોઈતા.
આનું પરિણામ એ છે કે આજે જનતાએ શિંદે જૂથને બાળ ઠાકરેની શિવસેનાના અસલી વારસદાર તરીકે સ્વીકારી લીધું છે. અને ઠાકરે પરિવારના વારસદારને ફગાવી દીધા છે

