Ukraine US Agents Myanmar: મિઝોરમમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર છ યુક્રેની અને એક અમેરિકન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, રશિયા પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આ લોકોને મ્યાનમારમાં વંશીય સશસ્ત્ર જૂથોને તાલીમ આપવાના આરોપમાં પકડી પાડ્યા છે.
મ્યાનમારમાં એન્ટ્રી કરાવનારાઓની શોધખોળ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય એજન્સીઓ હવે એવા લોકોની ઓળખ કરી રહી છે જેમણે અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વેનડાઈક અને યુક્રેની નાગરિકોને મિઝોરમ પહોંચવા અને ત્યાંથી મ્યાનમારમાં પ્રવેશ કરવામાં મદદ કરી હતી.
આરોપ: આ ગ્રુપ 2024 થી મ્યાનમાર આવતું-જતું હોવાની શંકા છે. તેઓ ડ્રોન અને જામિંગ સાધનો સપ્લાય કરતા હતા અને ત્યાંના વિદ્રોહી જૂથોને તાલીમ આપતા હતા.
ઓપરેશન: NIA ની ટીમો છેલ્લા ત્રણ મહિનાથી ઉત્તર-પૂર્વમાં સક્રિય હતી. આ સાત લોકોની 13 માર્ચ ના રોજ દિલ્હી, લખનૌ અને કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
મ્યાનમારમાં ગયેલા અન્ય 8 લોકોની તપાસ
દિલ્હીની અદાલતે આ સાતેય આરોપીઓને 27 માર્ચ સુધી NIA કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસમાં બહાર આવ્યું છે કે છ યુક્રેની નાગરિકો એ 14 લોકોના ગ્રુપનો ભાગ હતા જે મ્યાનમાર ગયા હતા. હવે અધિકારીઓ એ શોધી રહ્યા છે કે બાકીના 8 લોકો હજુ મ્યાનમારમાં છે કે ભારત થઈને ક્યાંક નીકળી ગયા છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
યુક્રેન: યુક્રેની રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકે જણાવ્યું કે તેમનો દેશ તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ પ્રક્રિયા ‘નિષ્પક્ષ’ હોવી જોઈએ.
અમેરિકા: અમેરિકી દૂતાવાસે આ મામલે મૌન સેવ્યું છે. જોકે, અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી, પરંતુ વેનડાઈકનો મુદ્દો ચર્ચાયો હતો કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
“ધરપકડ કરાયેલા યુક્રેની નાગરિકો વિરુદ્ધની તપાસ ખુલ્લી હોવી જોઈએ. ભારત 2003ની પરસ્પર કાનૂની સહાય સંધિ હેઠળ સહયોગ લઈ શકે છે.” — ઓલેક્ઝાન્ડર પોલિશચુક, યુક્રેની રાજદૂત
NIA એ કોર્ટમાં શું ખુલાસો કર્યો?
સાતેય વ્યક્તિઓ અલગ-અલગ તારીખે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા.
ત્યારબાદ તેઓ જરૂરી પરમિટ (RAP/PAP) વગર મિઝોરમ અને ત્યાંથી ગેરકાયદે મ્યાનમાર પહોંચ્યા હતા.
તેઓ મ્યાનમારના સશસ્ત્ર જૂથોને ડ્રોન વોરફેર, ડ્રોન ઓપરેશન, એસેમ્બલી અને જામિંગ ટેકનિક ની તાલીમ આપતા હતા.
આ જૂથો ભારતમાં આતંકવાદી સંગઠનોને મદદ કરવા માટે જાણીતા છે અને મ્યાનમારની સેના (જન્ટા) ને નિશાન બનાવે છે.
આરોપીઓએ કબૂલ્યું છે કે તેમણે યુરોપથી ડ્રોનનો મોટો જથ્થો ભારત મારફતે મ્યાનમાર મોકલ્યો હતો.
મિઝોરમ કેમ બન્યું છે કેન્દ્ર?
મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે જૂન અને ડિસેમ્બર 2024 વચ્ચે લગભગ 2,000 વિદેશીઓએ મિઝોરમની મુલાકાત લીધી હતી. તેમાંથી ઘણા પ્રવાસી તરીકે આવ્યા નહોતા અને નજરમાં આવ્યા વગર નીકળી ગયા હતા. તેમણે પણ આક્ષેપ કર્યો હતો કે બ્રિટન અને અમેરિકાના નાગરિકો મ્યાનમારમાં વિદ્રોહીઓને હથિયારની તાલીમ આપવા માટે મિઝોરમનો ઉપયોગ કરી રહ્યા છે.

