નવી દિલ્હી, તા. 22 : શ્રીલંકામાં આર્થિક સંકટ અને મોટી રાજકીય ઉથલપાથલ બાદ પહેલી વખત થયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડાબેરી પીપલ્સ લિબરેશન ફ્રન્ટના 55 વર્ષીય નેતા અનુરા કુમારા દિસાનાયકેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
દિસાનાયકેએ પરિણામની ઘોષણા બાદ `એક્સ’ પર જણાવ્યું કે, આ આપણી સૌની જીત છે. તેઓ શ્રીલંકાના 10મા રાષ્ટ્રપતિ બનશે. ચૂંટણી પરિણામ જાહેર કરતાં શ્રીલંકા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, દિસાનાયકેએ 42.31 ટકા મત સાથે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવી છે. વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસા 32.76 ટકા મત સાથે બીજા ક્રમે રહ્યા હતા. ગોગબાયા રાજપક્ષેના પલાયન બાદ રાષ્ટ્રપતિની ખુરશી સંભાળનારા રાનિલ વિક્રમસિંઘે ત્રીજા ક્રમે રહ્યા હતા અને તેમણે હજુ હારનો સ્વીકાર કર્યો નથી પરંતુ વિદેશમંત્રી અલી સાબરીએ જણાવ્યું હતું કે, સ્પષ્ટ છે કે દિસાનાયકે ચૂંટણી જીતી ચૂક્યા છે.

દિસાનાયકે કોલંબોથી સાંસદ છે અને એનપીપી તેમજ જેવીપીનું નેતૃત્વ કરે છે. દિસાનાયકે ઘણી વખત ભારતનો વિરોધ કરી ચુક્યા છે. આ ઉપરાંત તેનું વલણ ચીન તરફી છે. 2022માં શ્રીલંકાના આર્થિક અને રાજનીતિક સંકટ બાદ દિસાનાયકેને ઘણી લોકપ્રિયતા મળી હતી અને ગરીબોના મસીહા તેમજ ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે છબી મજબૂત બની હતી. 2019માં પણ દિસાનાયકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી ચુક્યા છે.
કહેવાય છે કે દિસાનાયકે ભારત વિરોધી કદમ ઉઠાવી શકે છે. શ્રીલંકાના ગૃહયુદ્ધમાં ભારત-શ્રીલંકાની શાંતિ સમજૂતી મારફતે તેણે ભારતની દખલનો વિરોધ કર્યો હતો. દિસાનાયકેની પાર્ટીના સંસદમાં માત્ર ત્રણ જ નેતા છે. તેની પાર્ટી અર્થવ્યવસ્થામાં ચીનના હસ્તક્ષેપનું સમર્થન કરે છે. આ ઉપરાંત બંધ બજારની નીતિને માને છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના આર્થિક સંકટ પાછળ ચીનને જ જવાબદાર માનવામાં આવે છે. ચીનની જાળમાં ફસ્યા બાદ શ્રીલંકાની હાલત ખરાબ થઈ હતી. આ ઉપરાંત ખરાબ સમયમાં ચીને શ્રીલંકાની મદદ પણ કરી નહોતી.

