Chenab River Dam Project: ચિનાબ નદી પર ભારતના રૌદ્ર રૂપથી પાકિસ્તાન ફફડ્યું: ૫,૧૨૯ કરોડના સાવલકોટ પ્રોજેક્ટ સામે શાહબાઝ સરકાર લાચાર

Arati Parmar
4 Min Read

Chenab River Dam Project: પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલા ભારતના નવા ડેમની સમીક્ષા શરૂ કરી દીધી છે. હકીકતમાં, ભારતે ચિનાબ નદી પર સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે, જેનાથી પાકિસ્તાનમાં ફફડાટ મચ્યો છે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના ટોચના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે પાકિસ્તાન, જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર ભારતના નવા ડેમનો રિવ્યુ કરી રહ્યું છે. ભારતનો આ પ્રોજેક્ટ આશરે ૫,૧૨૯ કરોડ રૂપિયાનો છે. મોદી સરકારે ગયા વર્ષે જ્યારે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી હતી, ત્યારબાદ મોદી સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.

પાકિસ્તાન આ પ્રોજેક્ટને પોતાના ખેતરોની સિંચાઈ અને ખેતીવાડી માટે ખતરો માની રહ્યું છે. રિપોર્ટમાં ગયા મહિને કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર ચાર મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવાના કડક આદેશ આપ્યા છે. આ દરમિયાન અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પાકલ દુલ અને કિરૂ પ્રોજેક્ટ્સને કોઈપણ સંજોગોમાં શરૂ કરશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૮ સુધીમાં ક્વાર પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે અને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ રતલે ડેમ પર પણ નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે.

- Advertisement -

ભારતે જ્યારથી સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી છે, ત્યારથી પાકિસ્તાને ઘણી વખત ધમકીઓ આપી છે. પાકિસ્તાન, પરમાણુ યુદ્ધની ગીધડભભકી પણ આપી ચૂક્યું છે. પરંતુ હવે જ્યારે ભારતે પ્રોજેક્ટને ગંભીરતા સાથે અને ઝડપથી શરૂ કરી દીધો છે તો પાકિસ્તાન ખરેખર ડરી ગયું છે. આ ડેમ, પાકિસ્તાનની ખેતીને ગંભીર રીતે અસર કરશે. સંધિને સસ્પેન્ડ કર્યા પછી ભારત હવે ચિનાબ નદી પર નવા કે હાલના પ્રોજેક્ટ્સ માટે પાકિસ્તાન સાથે ડેટા-શેરિંગ કે અગાઉથી જાણકારી આપવાની જરૂરિયાતોને માની રહ્યું નથી. ભારત, કોર્ટ ઓફ આર્બિટ્રેશનના નિર્ણયોને પણ ફગાવી ચૂક્યું છે. ભારતે તેને ‘ગેરકાયદેસર’ ગણાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ચિનાબ નદી, સિંધુ બેસિનનો હિસ્સો છે અને પાકિસ્તાન માટે તેને લાઈફલાઈન માનવામાં આવે છે. પાકિસ્તાનનું લગભગ ત્રણ-ચતુર્થાંશ પાણી, પશ્ચિમી નદીઓમાંથી આવે છે જે ભારતથી પાકિસ્તાનમાં વહે છે. પાકિસ્તાન પોતાની ૯૦ ટકાથી વધુ ખેતી માટે આ ડેમ પર નિર્ભર રહે છે. એટલું જ નહીં, પાકિસ્તાનના ડેમ અને નહેરોનું લગભગ આખું નેટવર્ક આની આસપાસ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનના દસમાંથી નવ નાગરિકો, તે પાણી પર નિર્ભર છે જે પહેલા ભારતીય વિસ્તારમાંથી પસાર થઈને વહે છે. સૂત્રોના હવાલાથી કહ્યું છે કે “પાકિસ્તાનના ડિપાર્ટમેન્ટ જેવા કે ઇન્ડસ વોટર કમિશનર ઓફિસ, પાકિસ્તાન વોટર રિસોર્સ મિનિસ્ટ્રી, વિદેશ મંત્રાલય, એટર્ની જનરલ ઓફિસ અને અન્ય સંબંધિત વિભાગો આ પ્રોજેક્ટનો અભ્યાસ કરી રહ્યા છે”.

- Advertisement -

ખુફિયા સૂત્રોએ જણાવ્યું છે કે “એક સંયુક્ત અને સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં વડાપ્રધાન ઓફિસને મોકલવામાં આવશે”. સૂત્રોએ જણાવ્યું છે કે “અધિકારીઓ, પાકિસ્તાનના ડેમ અને ડી-વોટરિંગનો સામનો કરવા માટે ઘણા વિકલ્પો પર પણ કામ કરી રહ્યા છે”. પાકિસ્તાન ભારતને પડકાર આપવા માટે તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું છે કે તે એક પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કરશે અને ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના નવા ડેમ પ્રોજેક્ટને પડકારી શકે છે. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા જૂથને જણાવ્યું છે કે “આ અમારી જાણકારીમાં છે અને અમે ટૂંક સમયમાં વધુ વિગતો સાથે જવાબ આપીશું”. સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાન પહેલેથી જ ઇન્ટરનેશનલ ફોરમ પર સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના ભારતના નિર્ણયને પડકારી ચૂક્યું છે.

Share This Article