નવી દિલ્હી, તા. 8 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ ચાલુ સપ્તાહે જ રશિયાની રાજધાની મોસ્કોની યાત્રાએ જશે, જ્યાં રશિયા – યુક્રેન સંઘર્ષનાં સમાધાન પર ચર્ચા કરશે. આ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી દુનિયાભરમાં ઉચાટ ફેલાવનાર યુદ્ધ રોકવાની દિશામાં પ્રયાસરૂપે જોવાઈ રહ્યો છે. દોભાલની યાત્રા મોદીના રશિયા અને પછી યુક્રેનના તાજા પ્રવાસો પછી જ ગોઠવાઈ છે. યુક્રેનમાં રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીને મળ્યા બાદ મોદીએ પુતિનને કીવ પ્રવાસ વિશે જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, પુતિન સાથે એ વાતચીત દરમ્યાન જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ મોસ્કો જશે, તેવો ફેંસલો લેવાયો હતે.- ઈઝરાયલ સાથે યુદ્ધમાં ભારતની મધ્યસ્થીની પેલેસ્ટાઈનને આશા : નવી દિલ્હી, તા. 8 : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હમાસના હુમલા બાદ ઈઝરાયલની કાર્યવાહીમાં પેલેસ્ટાઈનમાં જાનમાલનું પારાવાર નુકસાન થયું છે.

હવે ભારતમાં પેલેસ્ટાઈનનાં રાજદૂત અદનાન અબૂ અલ હૈઝાએ જંગમાં મધ્યસ્થતા માટે મોટું નિવેદન કરતાં કહ્યું છે કે, તે આ સ્થિતિમાં ભારત પાસે મધ્યસ્થતાની અપેક્ષા રાખે છે. પેલેસ્ટાઈનના રાજદૂત હૈઝાએ કહ્યું હતું કે, તેમને ભારત જેવા મિત્ર દેશ પાસેથી મધ્યસ્થતાની અપેક્ષા છે. ભારત એક શાંતિપૂર્ણ દેશ છે અને એટલે જ અમે તેને આ ભૂમિકા નિભાવવા માટે કહી રહ્યાં છીએ કારણ કે ભારત ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બન્નેનું મિત્ર રાષ્ટ્ર છે. આ પહેલાં અમેરિકા અને બ્રિટનની ગુપ્તચર એજન્સીના પ્રમુખોએ પણ કહ્યું હતું કે, તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે સતત કામ કરી રહ્યાં છીએ. સંયમ વર્તવા અને તનાવ ઘટાડવા માટે ખુફિયા તંત્રનો ઉપયોગ પણ થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

