Tulsi Vivah 2025: હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જે દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બારસ તિથિએ મનાવવા આવે છે. આ દિવસે માતા તુલસી (વૃંદા)ના વિવાહ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપે સાથે લગ્ન થાય છે. જેને દેવી – દેવતાના વિવાહ સ્વરુપે જોવામાં આવે છે. આ દિવસે હિન્દુ સમાજમાં વિવાહ ઉત્સવ પ્રારંભ થવાનો સંકેત માનવામાં આવે છે. આ વર્ષે 2025માં આ પર્વ 2 નવેમ્બર, રવિવારના રોજ મનાવવામાં આવશે. આવો જાણીએ કે, આ પર્વની સાચી તારીખ, પૌરાણિક દંતકથા, પૂજા વિધિ અને ધાર્મિક મહત્ત્વ શું છે.
ક્યારે છે તુલસી વિવાહ 2025
તિથિ પ્રારંભઃ 2 નવેમ્બર 2025, સવારે 07. 31 કલાકે
તિથિ સમાપ્તઃ 3 નવેમ્બર 2025, સવારે 05. 07 કલાકે
વિવાહ ઉત્સવની તારીખ: 2 નવેમ્બર, રવિવારનો દિવસ શ્રેષ્ઠ
તુલસી વિવાહની પૌરાણિક કથા
તુલસી વિવાહની સ્ટોરી અત્યંત રોચક છે. પૂર્વજન્મમાં તુલસીજીનું નામ વૃદા હતું, જે રાક્ષસ જલંધરની પત્ની હતા. વૃંદાની પવિત્રતા અને ભક્તિના કારણે જલંધર અજેય બન્યો હતો. તેને મારવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા સાથે છળ કરવું પડ્યું. જ્યારે વૃંદાને સત્ય હકીકત વિશે ખબર પડી, ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર (શાલિગ્રામ) બનવાનો શ્રાપ આપ્યો. એ પછી જ્યારે દેવી લક્ષ્મીએ તેમની સમક્ષ વિનંતી કરી, ત્યારે વૃંદાએ તેનો શ્રાપ પરત લીધો અને સતી થઈ. તે જગ્યા પર એક તુલસીનો છોડ ઉગ્યો, અને ભગવાન વિષ્ણુએ શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. ત્યારથી તુલસી વિવાહની પરંપરા ચાલી આવે છે.
તુલસી વિવાહ પૂજા પદ્ધતિ
સૌથી પહેલા પૂજા સ્થળને શણગારો: સાંજે તુલસીના છોડ પાસે શેરડીથી મંડપ બનાવો.
તુલસી અને શાલિગ્રામ સ્થાપિત કરો: એક બાજોઠ પર તુલસી અને બીજા બાજોઠ પર શાલિગ્રામ મૂકો.
ગંગા જળથી સ્નાન: બંનેને ગંગાના પાણીથી સ્નાન કરાવો.
શણગાર કરો: તુલસીને લાલ ચુંદડી, બિંદી, બંગડીઓ વગેરે અર્પણ કરો, અને શાલિગ્રામને પીળા કપડાં અને ફૂલો અર્પણ કરો.
તિલક અને પરિક્રમા: શાલિગ્રામને પીળા તિલક અને તુલસીને લાલ ચંદનથી તિલક કરો. પછી, શાલિગ્રામના બાજોઠને હાથમાં લઈને તુલસીની સાત વાર પરિક્રમા કરો.
આરતી અને મંત્રો: ઘીનો દીવો પ્રગટાવો અને આરતી કરો અને લગ્નના મંત્રોનો જાપ કરો.
પ્રસાદ વિતરણ: અંતમાં પ્રસાદનું વિતરણ કરો અને બધાને સુખી લગ્નજીવનની શુભકામના આપો.
તુલસી વિવાહનું મહત્ત્વ
તુલસી વિવાહ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ પ્રેમ, ભક્તિ અને સાચી નિષ્ઠાનું પ્રતીક પણ છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા, કથાનું શ્રવણ અને પરંપરાઓનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ લગ્નને શુભ લગ્નની શરૂઆત માનવામાં આવે છે. આ દિવસે અપરિણીત છોકરીઓ સારા જીવનસાથી માટે વ્રત રાખે છે. તુલસી વિવાહ કરાવવા એ લગ્ન જેટલું જ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે.