Mitchell Starc 450 Test Wickets: મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં 450 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યા

Arati Parmar
2 Min Read

Mitchell Starc 450 Test Wickets: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે દક્ષિણ આફ્રિકા સામે ગકેબરહામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો છે. ડાબા હાથના આ તોફાની બોલરે મેચના ત્રીજા દિવસે વિયાન મુલ્ડરને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 450 વિકેટ પૂરી કરી. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી આ મેચમાં સ્ટાર્ક ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી રહ્યા છે અને આ સિદ્ધિ સાથે તેમણે લાલ બોલના ક્રિકેટમાં પોતાની મહાનતા સાબિત કરી છે.

મિચેલ સ્ટાર્કની 450 વિકેટ પૂરી

મિચેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 450 વિકેટનો આંકડો સ્પર્શનારા વિશ્વના પ્રથમ ડાબોડી બોલર બની ગયા છે. તેમના પહેલાં ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પણ ડાબોડી બોલર આ આંકડા સુધી પહોંચી શક્યો નહોતો. આ સાથે તેઓ શેન વૉર્ન, ગ્લેન મૅકગ્રા અને નાથન લાયન પછી ટેસ્ટ ક્રિકેટમાં 450 કે તેથી વધુ વિકેટ લેનારા ઑસ્ટ્રેલિયાના ચોથા બોલર બની ગયા છે.

- Advertisement -

સ્ટાર્કના નામે નોંધાયો મોટો રેકોર્ડ

બોલિંગની દૃષ્ટિએ મિચેલ સ્ટાર્કે વધુ એક મોટો વિક્રમ પોતાના નામે કર્યો છે. તેઓ સૌથી ઓછા બોલ ફેંકીને 450 ટેસ્ટ વિકેટ લેનારા વિશ્વના નંબર 1 બોલર બની ગયા છે. સ્ટાર્કે માત્ર 20,577 બોલમાં આ સિદ્ધિ મેળવીને પોતાના જ દેશના મહાન બોલર ગ્લેન મૅકગ્રાનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમણે 23,474 બોલમાં 450 વિકેટ પૂરી કરી હતી. પોતાની 109મી ટેસ્ટ રમી રહેલા સ્ટાર્કની આ સિદ્ધિ દર્શાવે છે કે તેમનો સ્ટ્રાઇક રેટ કેટલો ઘાતક રહ્યો છે.

આ બે બેટ્સમેનોને કર્યા આઉટ

આ મેચમાં સ્ટાર્કની બોલિંગની વાત કરીએ તો વરસાદથી પ્રભાવિત બીજા દિવસે તેમણે મેથ્યુ બ્રિટ્ઝકેને 4 રનના વ્યક્તિગત સ્કોર પર ઍલેક્સ કેરીના હાથે કૅચ કરાવીને પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા દિવસે સવારના સત્રમાં તેમણે વિયાન મુલ્ડરને 13 રને મૅટ રેનશૉના હાથે કૅચ આઉટ કરાવીને પોતાની 450મી વિકેટ પૂરી કરી.

- Advertisement -
Share This Article