Sri Lanka Women T20 Asia Cup: ચમારી અતાપટ્ટુની તોફાની બેટિંગ, શ્રીલંકાએ UAEને 79 રનમાં સમેટી એકતરફી જીત મેળવી
Sri Lanka Women T20 Asia Cup: મહિલા T20 એશિયા કપમાં પોતાના ખિતાબનો બચાવ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે શનિવારે યજમાન UAE સામે ખૂબ જ સરળ અને એકતરફી જીત નોંધાવી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ UAEને માત્ર 79 રનમાં સમેટ્યા બાદ 80 રનનું લક્ષ્ય માત્ર 7.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું.
ચમારી અતાપટ્ટુનું તોફાની પ્રદર્શન
80 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમને કેપ્ટન ચમારી અતાપટ્ટુ અને ઇમેશા દુલાનીને ધમાકેદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 5.2 ઓવરમાં 57 રનની ભાગીદારી થઈ. અતાપટ્ટુએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં 25 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 48 રન ફટકાર્યા. જ્યારે ઇમેશા દુલાનીએ 18 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું. આ બોલ બાકી રહેવાના હિસાબે શ્રીલંકા મહિલા T20I ઇતિહાસની સૌથી મોટી જીત છે.
UAEનું નબળું બેટિંગ પ્રદર્શન
આ પહેલાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને ચોથા જ ઓવરમાં પ્રથમ વિકેટ પડી ગઈ. UAEની કેપ્ટન ઈશા ઓઝા (18 રન) ટીમ તરફથી સર્વોચ્ચ સ્કોરર રહી. શ્રીલંકાની ઝડપી બોલર મિતાલી અયોધ્યા અને અલુથ વિમુક્તિની ઘાતક બોલિંગ સામે UAEનો કોઈ પણ બેટર ટકી શક્યો નહીં અને આખી ટીમ 20 ઓવરમાં માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
બંનેનો આગામી મુકાબલો ક્યારે?
બંને ટીમોનો આગામી મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે, જ્યાં શ્રીલંકા 2 સપ્ટેમ્બરે અને UAE 4 સપ્ટેમ્બરે મેદાનમાં ઉતરશે. જ્યારે ટીમ ઇન્ડિયા પોતાની પ્રથમ મેચ 30 ઓગસ્ટે થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ટીમ ઇન્ડિયા પણ શ્રીલંકાની જેમ મોટી જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઇચ્છશે.

