પર્યાવરણ દિવસ પર રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાની પહેલ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ બુધવારે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મશીન પ્લાસ્ટિકની ખાલી બોટલો અને એલ્યુમિનિયમ બેવરેજ કેનનું રિસાયક્લિંગ કરવાની સુવિધા આપે છે, જે પ્લાસ્ટિકના કચરાની પર્યાવરણીય અસરને ઘટાડવામાં મદદ કરશે.

ઉદ્ઘાટન સમારોહમાં, ડો. જીજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અરવિંદ બોધનકર, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર, એએમ/એનએસ ઇન્ડિયા, શંકરા સુબ્રમણ્યન, હેડ- એન્વાયરમેન્ટ, એએમ/એનએસ ઇન્ડિયા, હજીરા, કિરણ સિંહ સિંધા, CSR, એએમ/એનએસ ઇન્ડિયા – હજીરા, અને ઉધના રેલ્વે સ્ટેશનના અધિક્ષક યોગેશ ઠાકુર અને અન્યો પણ હાજર હતા.
પર્યાવરણ બચાવવા તરફ એક પગલું
ડૉ. અનિલ માટુ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “આ રિવર્સ વેન્ડિંગ મશીન માત્ર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરવામાં જ મદદ કરશે નહીં, પરંતુ લોકોને પ્લાસ્ટિક કચરાના જોખમો વિશે જાગૃત કરવામાં પણ મદદ કરશે. આ મશીન અમારી ‘પ્રોજેક્ટ ગ્રીન’ પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય સુરતના લોકોને આ મશીનનો મહત્તમ ઉપયોગ કરવા અને સ્વચ્છ ભવિષ્ય માટે યોગદાન આપવાનો છે.
મશીન કેવી રીતે કામ કરે છે
પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ સ્થાપિત આ મશીન 200 મિલીથી લઈને 2.5 લીટર સુધીની ખાલી પ્લાસ્ટિકની બોટલો અને એલ્યુમિનિયમના કેનને રિસાઈકલ કરી શકે છે. યુઝર્સને તેમના ફોન પર રિવોર્ડ કૂપન મળે છે. આ મશીનમાં દરરોજ 1,500 થી 2,000 પ્લાસ્ટિક બોટલ પર પ્રક્રિયા કરવાની ક્ષમતા છે, જે રિસાયક્લિંગ માટે 40-50 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે.
પ્લાસ્ટિક કચરાની સમસ્યા
સુરતમાં દરરોજ આશરે 20 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે, જે સ્થાનિક ઇકોસિસ્ટમ પર પ્રતિકૂળ અસર કરે છે એટલું જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણમાં પણ ફાળો આપે છે. રિવર્સ વેન્ડિંગ મશીન જેવી પહેલ પ્લાસ્ટિકના કચરાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

